



MORBI મોરબી મહેસૂલી તલાટીઓનો નવો જોબ-ચાર્ટ : ‘કોનું કામ?’ની રકઝક પર પૂર્ણવિરામ

મોરબી: ગુજરાત મહેસૂલ વિભાગે ગત તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ મહેસૂલી તલાટીઓ માટે નવો જોબ-ચાર્ટ જાહેર કરી 45 પ્રકારની કામગીરીની જવાબદારી સ્પષ્ટ કરી છે. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ પણ તા. 19 ઓગસ્ટે નવા જોબ-ચાર્ટ મુજબ કામગીરી કરવા સૂચના આપી છે. અગાઉનો 24 ફેબ્રુઆરી, 2022નો જોબ-ચાર્ટ રદ કરવામાં આવ્યો છે. નવા જોબ-ચાર્ટ હેઠળ જમીન રેકર્ડ, વારસાઈ, પેઢીનામું, સરકારી જમીન-ગૌચર, દબાણ, રસ્તા-જળાશય, મહેસૂલી વસૂલાત, પાક અહેવાલ, કુદરતી આપત્તિ, ખેડૂત રજીસ્ટ્રી અને ક્રોપ કટિંગ સહિતની કામગીરી મહેસૂલી તલાટીઓ ની જવાબદારી માં આવશે.

ખાસ કરીને ‘આ કામ પંચાયત તલાટીનું કે મહેસૂલી તલાટીનું?’ જેવી ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ થયો છે. પંચાયત અધિનિયમ હેઠળની કામગીરી પંચાયત તલાટી-કમ-મંત્રીની અને મહેસૂલ કાયદા-નિયમ હેઠળની કામગીરી મહેસૂલી તલાટીની રહેશે.
હવે મોરબી જિલ્લામાં મુખ્ય કસોટી જોબ-ચાર્ટનો કાગળ પર નહીં, પરંતુ ગામડાના સામાન્ય અરજદાર સુધી તેનો વાસ્તવિક અમલ પહોંચે છે કે નહીં તેની રહેશે. જવાબદારી સ્પષ્ટ થયા બાદ ‘મારું કામ નથી’ કહી અરજદારને ધક્કા ખવડાવવાની સ્થિતિ પર અસરકારક નિયંત્રણ જરૂરી બનશે.


