HALVAD:હળવદના રાયસંગપુર રોડ પર રસ્તા અને બંધ પાળા બાબતે સોનગ્રા પરિવારના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: સામસામે પોલીસ ફરિયાદ




HALVAD:હળવદના રાયસંગપુર રોડ પર રસ્તા અને બંધ પાળા બાબતે સોનગ્રા પરિવારના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: સામસામે પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર આવેલી સીમ જમીનમાં રસ્તાના વિવાદ અને જેસીબી વડે બંધ પાળા બાંધવાની બાબતે સોનગ્રા પરિવારના બે જૂથો વચ્ચે તીખી બોલાચાલી બાદ સશસ્ત્ર હિંસક અથડામણ સર્જાઈ હતી. વાડીના રસ્તે કામ કરાવવા બાબતે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષોએ એકબીજા પર ઢીંકાપાટુ તેમજ ધારીયા, ધોકા, પાવડા અને સોરીયા જેવા હથિયારો વડે સામસામે હુમલો કર્યો હતો. આ અંગે બંને પક્ષોએ હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવી છે.
પ્રથમ પક્ષની ફરિયાદ:ખારીવાડી રામનગરમાં રહેતા જયંતિભાઈ રણછોડભાઈ સોનગ્રા (ઉ.વ.૪૪)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા અને કૌશલભાઈ રમેશભાઈ સોનગ્રા (તમામ રહે. મહાદેવનગર, હળવદ) તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. જમીન પર પાળો ન બાંધવાનું કહી બળજબરીથી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી તથા તેમના સાથીઓને ઢીંકાપાટુનો માર માર્યો હતો તેમજ ધોકા, ધારીયા અને સોરીયા જેવા હથિયારો વડે હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.
સામા પક્ષની ફરિયાદ:જ્યારે સામા પક્ષે મહાદેવનગરમાં રહેતા સંજયભાઇ ઘનશ્યામભાઈ સોનગ્રા (ઉ.વ.૩૨)એ નોંધાવેલી વળતી ફરિયાદ મુજબ, આરોપીઓ જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા અને નીતીનભાઈ રણછોડભાઈ સોનગ્રા (તમામ રહે. ખારીવાડી રામનગર, હળવદ) ચાલવાના રસ્તે જેસીબીથી પાળો બાંધી રહ્યા હતા. પાળો ન બાંધવા કહેતા આરોપીઓએ ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો અને હાથમાં સોરીયો, પાવડો, ધોકો તેમજ ધારીયુ જેવા હથિયારો ધારણ કરી ફરિયાદી અને તેમના સાથી પર હુમલો કરી મુંઢ માર માર્યો હતો.બંને પક્ષોની સામસામે મિશ્ર ફરિયાદોના આધારે હળવદ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



