MORBI:મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના સહયોગથી નવા 8 ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ




MORBI:મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના સહયોગથી નવા 8 ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ


હોસ્પિટલમાં કુલ 14 ડાયાલિસિસ મશીન કાર્યરત થયા, હવે દરરોજ 42 દર્દીઓ ડાયાલીસીસનો વિનામૂલ્યે લાભ લઇ શકશે
મોરબી: મોરબી રાજવી પરિવાર દ્વારા સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ મહારાજ કુમારી હર્ષદ દેવીબાની સ્મૃતિમાં મંગળવારે નવા 8 ડાયાલિસીસ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મયુર હોસ્પિટલમાં હવે કુલ 14 ડાયાલિસીસ મશીનો કાર્યરત થઈ ગયા છે, જેનાથી કિડનીના દર્દીઓને મોટી રાહત મળશે.

આ પ્રસંગે રાજવી પરિવારનાં રાજકુમારી ઉમાબા અને મીરાબા, રાજકોટના રાજકુમાર જયદેવસિંહ માધાતાસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઇ કુંડારીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા અને વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા, મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ અને ટ્રસ્ટી ડો. વિવેક જોશી સહિતનાએ પણ હાજરી આપી હતી.

મોરબી રાજવી પરિવારની સેવાની મહેક સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે
કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણી સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સ નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્ય છે. મોરબી રાજવી પરિવારનું સેવાકાર્ય આખા ગુજરાતના અન્ય રાજવી પરિવારો માટે પ્રેરણાદાયી છે. મોરબીમાં આવેલી મચ્છુ ડેમ હોનારત, ભૂકંપ અને ઝૂલતાપુલ દુર્ઘટના સહિતની તમામ વિકટ પરિસ્થિતિઓમાં રાજવી પરિવારે લોકોના દુઃખમાં સહભાગી બનીને અવિરત સેવા આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. દિવસે ને દિવસે બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે તેની સારવાર સાથે અગમચેતી અને જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આ શુભ કાર્યમાં ભવિષ્યમાં જે કંઈ પણ જરૂરિયાત ઊભી થશે તેમાં પોતે પૂરતો સહયોગ આપશે તેવી ખાતરી તેમણે આપી હતી.
*દરરોજ 42 જેટલા દર્દીઓને અહીં વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા મળી શકશે*

બી.ટી. સવાણી ગ્રુપના ડો. વિવેક જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી 6 ડાયાલિસીસ મશીન શરૂ કરવામાં આવ્યા હતા. હવે રાજવી પરિવારના સહયોગથી બીજા નવા 8 મશીનો ઉમેરવામાં આવતા કુલ 14 મશીનો કાર્યરત થયા છે. એક મશીન પર દિવસમાં 3 દર્દીઓનું ડાયાલિસીસ કરી શકાશે, એટલે કે દરરોજ 42 જેટલા દર્દીઓને અહીં વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા મળશે. ડો. વિવેક જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે 50 મશીનોથી રોજના 200 ડાયાલિસીસ થાય છે. જૂનાગઢમાં પણ 15 મશીનો કાર્યરત છે.
સરકારની પીએમ જય (PMJAY) યોજના અંતર્ગત દર્દીઓને ફ્રીમાં ડાયાલિસીસ કરી આપવામાં આવે છે. જે દર્દીઓ પાસે આ કાર્ડ નથી તેમનો 500 રૂપિયાનો ખર્ચ પણ દાતાઓના સહયોગથી ઉઠાવી લેવામાં આવે છે, એટલે દર્દીઓને કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો નથી. તેમણે લોકોને પોતાની જીવનશૈલી (લાઈફસ્ટાઈલ) સુધારવા, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા અને તમાકુ જેવા વ્યસનોથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં કિડનીની ગંભીર બીમારીઓથી બચી શકાય.


