DHARAMPURVALSAD

ધરમપુરના વિલ્સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પંગારબારી રેન્જ દ્વારા વાંસ સુધારણા વિષે વિશેષ માહિતી આપવામાં આવી

===

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી 

વલસાડ વન વિભાગના પંગારબારી રેંજના આરએફઓ હિનાબેન પટેલ અને એમની ટીમ દ્વારા ધરમપુરના વિલ્સન હિલ ખાતે તા. ૧૧મી જાન્યુઆરીના રોજ ગુંડીયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે પ્રકૃત્તિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રકૃત્તિ અને જંગલના પાયાના જ્ઞાન અને બંનેનું જીવનમાં મહત્વ વિશે વિશેષ જ્ઞાન મેળવ્યું હતું. વન વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ૭ થી ૮ જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં સવારથી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકૃતિલક્ષી માહિતી આપવામાં આવે છે.

પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં પંગારબારી રેન્જના ઇન્ચાર્જ વન પાલક દિલિપભાઈ દંતાણી અને એમની ટીમે વિદ્યાર્થીઓને વિલ્સન હિલના ઇતિહાસ વિશે, વિલ્સન હિલના પ્રવાસન સ્થળના વિકાસ અને ત્યાં બનાવાયેલા ગાર્ડનને લગતી માહિતી આપી હતી. હિલસ્ટેશન ઉપરથી આજુબાજુના ડુંગર ઉપરના પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન પણ કરાવ્યું હતું. પંગારબારી રેંજની ટીમ દ્વારા જંગલનું આપણા જીવનમાં શું મહ્ત્વ છે! જંગલ આપણને અખૂટ પ્રાકૃતિક વસ્તુઓ આપે છે પરંતુ એની સામે આપણે જંગલને બચાવવામાં, તેનું રક્ષણ કરવા માટે શું કરીએ છીએ! વિશે સમજાવ્યું હતું. જંગલી પ્રાણીઓ, વૃક્ષો અને સાપ વિશે, જંગલ વિસ્તાર અને ડુંગર ઉપર ખેતીના વિસ્તાર વિશે પણ સમજણ અપાઈ હતી. જંગલમાંથી વૃક્ષો કાપવા કે જંગલને અનેક રીતે નુકશાન પહોંચાડવું કાનુની રીતે ગુનો બને છે અને સજાને પાત્ર છે એમ પણ જણાવાયું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓએ મનોરંજન માટે વિવિધ ડાન્સ પણ રજૂ કર્યા હતા અને દરેક માટે વન વિભાગની ટીમ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પંગારબારી રેન્જની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રેન્જના આરક્ષિત વિસ્તારમાં લઈ જવાયા હતાં જ્યાં તેમને વન વિભાગની ‘વાંસ સુધારણા’ પધ્ધતિ વિશે સમજાવાયું હતું. આ પધ્ધતિમાં બગડેલા કે અડધેથી તૂટી ગયેલા, પાકા વાંસને અમુક ઉંચાઈએ કાપવામાં આવે છે જેથી નવા વાંસને ઉગવા માટે જગ્યા બને. આ વાંસને વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા સ્થાનિક લોકોને આપવામાં આવે છે. જેથી દરેક રીતે વાંસનો ઉપયોગ થઈ શકે. જે જગ્યાએથી વાંસ કાપવામાં આવે છે ત્યાંથી અમુક અંતર સુધી નિશાની કરી પાણી, ખાતર અને જમીન વ્યવસ્થિત કરી જાળવણી કરવામાં આવે છે.

પંગારબારી રેન્જની ટીમે જણાવ્યું હતું કે, નાના બાળકો સાચા સંદેશાવાહકોનું કામ કરે છે. આ બાળકો એમના વાલીઓને લાકડા કાપતા કે જંગલની જમીનમાં આગ ચાંપીને ખેતી માટે જગ્યા બનાવતા જુએ છે. જો એમને સાચી માહિતી અપવામાં આવે તો તેઓ એમના વાલીઓને સહજપણે આ ગુનો છે કે પ્રકૃતિને નુકશાનકારક છે એમ જણાવે તો લોકો જંગલની જાળવણી કરતા શીખશે અને જંગલ પ્રક્ર્તિને નુકશાન કરતા અટકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!