ગુજરાતી ફરજિયાત નહીં ભણાવતી સ્કૂલો સામે લેવાશે પગલાં
ગુજરાતમાં સ્કૂલોમાં ગુજરાતી ભાષા નહીં ભણાવતા હોવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે કેટલી સ્કૂલોમાં ગુજરાતી ભણાવવામાં આવે છે. ત્યારે સરકારે કોર્ટમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, રાજ્યની માત્ર 3થી 4 સ્કૂલમાં ગુજરાતી ભાષા ભણાવાતી નથી. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ગુજરાતી ભાષા કેટલી સ્કૂલોમાં ભણાવાય છે તેની તમામ વિગતો કોર્ટમાં રજૂ કરો. ત્યારે આજે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું.
સરકારે હાઈકોર્ટમાં રજુ કરેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 23 જેટલી સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત નથી ભણાવાતી હોવાનું ધ્યાને આવ્યું છે. હવે પરિપત્રનું પાલન નહીં કરનાર સ્કૂલો સામે પગલાં લેવામાં આવશે. બીજી બાજુ એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજયની 109 સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત પણે ભણાવવામાં નથી આવી રહ્યું. હાઈકોર્ટ અગાઉ સરકારની નીતિનું ચૂસ્ત પણે પાલન કરવું પડશે તેવી ટકોર કરી ચૂકી છે.