MONALI SUTHAR

પુરુષ – વરદાન, શ્રાપ કે અભિશ્રાપ

આપણા દેશની અંદર મેરીકોમ ફોગટ બહેનો (પહેલવાન) , દીપિકા પાદુકોણ હોય કે પછી પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી રેખા હોય આ તમામ લોકોની સફળતા પાછળ તેમના પતિ કે પિતાનો સિંહફાળો રહેલ છે. જેમ કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને જયારે એક સ્ત્રીની સફળતાની પાછળ તે સ્ત્રીના પિતા, ભાઈ, પતિ કે પછી અંગત પુરુષ મિત્રનો પણ સાથ હોય છે. એક સ્ત્રીને સફળ થવા માટે સંઘર્ષ ચોક્કસ કરવો પડે, પણ સાથે સાથે એનો ટેકો આપનારા ચાર હાથ આશાનીથી મળી જતા હોય છે. સામાન્ય રીતે પુરુષ તરીકેની જીંદગી જીવવી ખુબ જ સહેલી છે. દરેક પુરુષને સગવડ અને સાધનો સ્ત્રીના પ્રમાણમાં વધારે મળે છે. પુરુષ ધારે એ કરી શકે છે, ઘરના રાજા પુરુષ છે, અને તેના જ નિર્ણયો ચાલે છે. તમે બારીકાઈથી આ તમામ મિથક માન્યતાઓમાં ડોકિયું કરશો તો પરિસ્થતિ તમને અલગ જ જોવા મળશે.
 

સમાજની અંદર એવું આપણેં દેખીએ છીએ કે લગ્ન થવાથી સ્ત્રીનું આખું જીવન બદલાઈ જાય છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે લગ્ન થવાથી પુરુષના જીવનમાં ધરખમ ફેરફારો થઇ જાય છે. અલડગીરી કરીને મોજથી જીવતો પુરુષ લગ્ન પછી એક મજુરની જેમ કામ કરવામાં લાગી જાય છે, અને આ મજૂરીના મહેનતાણારૂપે માત્ર એની અપેક્ષા એક જ હોય છે કે તેની પત્ની અને બાળકોના મોઢા ઉપરએ સ્મિત ક્યારેય પણ વિલાય નહીં. પત્નીની ખુશી માટે કોઈ પુરુષ ચાંદ-તારા તો તોડીને નથી લાવી શકતો, કે પછી બાળકોની ખુશી માટે એને વિદેશોમાં અલગ-અલગ જગ્યાએ ફરવા નથી લઇ જઈ શકતો પણ, એ જ ઘરનો પુરુષ સવારના 9 વાગ્યાથી પોતાના કામે લાગે છે, નોકરી- ધંધાની હરીફાઈઓ કરે છે, કામ કરતી વખતે ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઝઘડાઓ અને મુશ્કેલીઓનો સામનો કરે છે. પત્નીની ખુશી અને બાળકોના ભવિષ્ય માટે પૈસા ભેગા કરે છે, ઓફિસનું કામ પૂરું કરી ધક્કા ખાતાં-ખાતાં, માનસિક રીતે અથડાતા – પછડાતા થાકીને ઘરે આવે, ત્યારે ઘરની અંદર પ્રવેશતા જ અપેક્ષાઓના મુખ ખુલેલા જ હોય છે. મેં આજ સુધી કોઈ પુરુષને એવી ફરિયાદ કરતા સાંભળ્યો નથી કે મને નોકરી ધંધામાં આટલી તકલીફ થાય છે, પૈસા કમાવવામા મુશ્કેલી પડે છે, રોજ ધક્કા ખાઈ ખાઈને હું થાકી ગયો છું, વાસી ટિફિન કે બહારનું ખાવાનું હવે મને ગમતું નથી, મારે પણ 12-15 જોડી ફેશનેબલ કપડાં લેવા છે, મારે મારા મિત્રો સાથે થોડા-થોડા સમયના અંતરે એન્જોયમેન્ટ કરવું છે, કદાચ આવું બોલવાનો હક મોટા ભાગની સ્ત્રીઓએ પુરુષ પાસેથી છીનવી લીધો છે.
 

પત્નીને એવી સામાન્ય ફરિયાદ હોય છે કે તેના પતિ એની સાથે વાત  જ નથી કરતા, કશું કાંઈ બોલતા જ નથી, મનમાં જ બધી વસ્તુઓ રાખે છે, પણ બીચારો -બાપડો ક્યાંથી બોલે !! થાકેલા – પાકેલા મગજમારી કરીને આવેલા  પુરુષને  તમે એના હાલચાલ પૂછવાને બદલે, ઘરે કામવાળી બાઈ આજે નથી આવી અને જાતે વાસણ કરવા પડ્યા, એનો કકળાટ પત્ની માટે મહત્વનો છે. જે સ્ત્રી સામાન્ય જિંદગીના પ્રશ્નોને મોટા ઇસ્યુ બનાવી, પોતાની તકલીફો વર્ણવી અને અપેક્ષાનો બોજ એ પુરુષના માથા ઉપર રાખતા જ જતા હોય, એમાં દિવસે દિવસે વધારો કરતાં જતા હોય, એમાં પુરુષ એની વ્યથા કઈ રીતે બોલે !!!!!!
 

દરેક વ્યક્તિને પોતાની મોકળાશ અને સ્વતંત્ર થઇ થોડું જીવવાનો અધિકાર છે. વધુ પડતી અપેક્ષા અને કારણ વગરના નાની-નાની બાબતોમાં ઝઘડાઓ પુરુષને મૂંગા કરવાની સાથે સાથે મીંઢ બનાવી દે છે. સમાજ જયારે સમાનતાની વાત કરતો હોય ત્યારે એક સામાજિક પ્રાણી તરીકે આ વિષય પર પણ અવલોકન કરવું ખુબ જ જરૂરી છે.

 
ડેઝર્ટ –  સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે સખત થાકેલા અને સ્ટ્રેસફુલ પરિસ્થતિમાં જીવતો પુરુષ થોડું પણ પોતાના દાયરાની બહાર જઈને સુખ શોધવાનો પ્રયત્ન કરે તો આપણો સમાજ મૂળ પ્રશ્ન ઉપર ધ્યાન આપવાને બદલે એને વ્યભિચારી કે ભમરા તરીકે ચીતરે છે.

મોનાલી સુથાર,
જીંદગી એક નવી નજરે,
[email protected]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!