MONALI SUTHAR

“Women’s Day” – દેખાડો કે અમલીકરણ? 

ભારતની વાત કરીએ જેમાં 48% સ્ત્રીઓ છે અને 52% પુરુષો છે.

ભારતની વાત કરીએ જેમાં 48% સ્ત્રીઓ છે અને 52% પુરુષો છે. સંખ્યાની દ્રષ્ટિએ સ્ત્રીઓની સંખ્યા પુરુષોના પ્રમાણમાં ઓછી છે, તો શું એટલા માટે જ સ્ત્રીઓને દબાવવામાં આવે છે ? ના એવું નથી, પણ આપણે એક વાત સમજવી જોઈએ કે પુરુષ હોય કે સ્ત્રી, ભગવાને એને એક સરખી બુદ્ધિ અને ગુણવત્તા આપી છે. તફાવત માત્ર શારીરિક બાંધાનો છે, અને એ તફાવત પણ એટલા માટે ભગવાને આપ્યો છે કે, જેનાથી રી- પ્રોડકશન સાઈકલ ચાલતી રહે. આમાં ક્યાંય પણ એવું બિલકુલ જ ભગવાન દ્વારા જણાવવામાં નથી આવ્યું કે, પુરુષ જ ઘરની બહારના કામ કરે અને એક સ્ત્રી તરીકે તમે પુરુષની માફક, બહાર પણ ના જઈ શકો, ગાડી પણ ન ચલાવી શકો, કે પછી મિત્રો સાથે મોજ મજા પણ ના કરી શકો, આવી કોઈ નિયમાવલી નથી.     ,

આપણે વિચારીએ કે સ્ત્રી સૌથી વધારે અસુરક્ષિત ક્યારે હોય? જયારે કોઈ પણ સ્ત્રી ટ્રાવેલ કરતી હોય,? ઘરની બહાર હોય, રાતે આવવામાં મોડું થયું હોય ત્યારે? તો હું તમને ડેટા પ્રમાણે વાત કરું તો, ભારતની અંદર ફિઝિકલ વાયોલન્સના 70% કેસીસ કોઈ પણ સ્ત્રી સાથે એના ઘરની અંદર જ થાય છે. 90% બળાત્કાર પણ સ્ત્રીઓ સાથે એના નજીકના લોકો દ્વારા જ કરવામાં આવે છે. સ્ત્રી ક્યારેય પણ બહાર જઈને પૈસાની ચોરી બિલકુલ જ નથી કરતી, પણ એ સ્ત્રીની મહેનતથી કમાયેલા પૈસાનો ઉપયોગ કે ચોરી તેના ઘરના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે. દર વર્ષે 5 લાખ ગર્ભપાત એટલા માટે થાય છે, કારણ કે ગર્ભની અંદર એક સ્ત્રી હતી. ભારત આઝાદ થયા પછી અત્યાર સુધીમાં આપણે 6 કરોડ 30 લાખ સ્ત્રીઓને મારી નાખી છે, અને કરુણતા તો એ છે કે કોઈપણ સ્ત્રીને ગર્ભની અંદર મારવાનો નિર્ણય ઘરની અંદર જ થતો હોય છે. પુરુષ ગમે તેટલો લુખ્ખો હોય કે પછી વ્યસન પણ ઉધારી લઈને કરતો હોય તો પણ એ પુરુષને વંશવેલો આગળ વધારવા તો છોકરો જ જોઈએ છે.

છોકરીઓ ક્યારેય પણ નબળી કે કમજોર હોતી જ નથી, પણ એને નબળી અને કમજોર બનાવવામાં આપણો જ હાથ છે. કોઈ પણ સ્ત્રીને કમજોર બનાવવાની ટ્રેનિંગ નાનપણથી શરુ કરી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે છોકરી હોય તો તેને બાર્બી ડોલ, રસોઈનો સમાન, શૃંગારના સાધનો એટલે કે કેરીગ રિલિટેડ જ રમકડાં આપવામાં આવે છે, જયારે છોકરાઓને પહેલેથી જ ગન પકડાવી દેવામાં આવે છે, કાર રેસિંગ, સુપરમેન પઝલ ગેમ, જેવા એક પ્રકારના અગ્રેસિવ રમકડાં જ આપવામાં આવે છે. કોઈ પણ બાળકની ચોઈસ આ રમકડાં હોતી નથી, પણ આપણે જ એને ટ્રેનિંગ આપીએ છીએ. છોકરાના મનમાં નાનપણથી જ ઠસાવવામાં આવે છે કે એવું કહેવામાં આવે છે કે તું છોકરીની જેમ વાતો કરે છે, છોકરીની જેમ ચાલે છે, જયારે આવી વાતો કોઈ પણ છોકરાને કહેવામાં આવતી હોય ત્યારે એની બાજુમાં બેઠેલી બેન આ બધું સાંભળતી જ હોય છે, અને એ વિચારે કે શું છોકરીની જેમ ચાલવું એ ખરાબ વાત છે? નાનપણથી જ એવું શીખવાડવામાં આવે કે છોકરી તરીકે કેમ બેસવું ચાલવું, અરે ત્યાં સુધી કે કોઈ પણ છોકરી ખુલીને હસી પણ ના શકે. છોકરાઓ માટે બધું કોમન છે, નોર્મલ છે. કોઈ પણ છોકરો રોડ વચ્ચે ચેન ખોલીને આરામથી બધા સામે પેશાબ કરી શકે એની એને છૂટ છે, અને જયારે એ જ રોડ ઉપરથી કોઈ છોકરી સ્કર્ટ પહેરીને નીકળે તો એ બહુ જ એબ્નોર્મલ છે. તમે જ વિચારો કે આમાં સૌથી વધારે શું ખરાબ? જાહરે રોડ ઉપર પેશાબ કરવો કે વેસ્ટર્ન કપડાં પહેરીને જાહેર રોડ ઉપર ચાલવું ? છોકરીએ ભલે Ph.d કરી હોય પણ જો એને ક્યાંય પણ બહાર જાઉં હોય તો, નાના છોકરાને એની સાથે લગાડી દો , કે પછી નાના – ભાઈ બહેનને પણ સાથે લગાડી દે. આવા સમયે ઉદાહરણ તરીકે કોઈ છોકરી ખરેખર મુશીબતમાં આવી જાય કે અણછાજતી ઘટના બને તો ત્યારે શું ? સાથે આવેલ નાનું છોકરું શું કરી લેવાનું ? , પણ એ જ નાનો છોકરો ધીરે-ધીરે મોટો થાય ત્યારે ઓટોમેટિકલી પોતાની જાતને સ્ટ્રોંગ અને છોકરીઓને કમજોર અને નબળી સમજવા લાગે છે , અને આ ટ્રેનિંગ એવી છે કે કોઈ પણ છોકરાને દુનિયામાં ગમે તેની સામે હરવામાં વાંધો નથી, પણ જો કોઈ છોકરી સામે હારી જાય તો તેને સતત ડંખ માર્યા કરે કે છોકરીથી હારી ગયો! એક સ્ત્રી થી !!જયારે કોઈ છોકરી દ્વારા છોકરાને , પ્રેમ કે સંબંધની ના સાંભળવા મળે ત્યારે છોકરો સૌથી વધારે પોતાની જાતને અસુરક્ષિત મેહસૂસ કરે છે અને આ જ બધા મુખ્ય કારણો છે રેપ કે શારીરિક હિંસાના ગુનાઓના.

આપણે જેટલા ધર્મ જોઈએ , એ દરેક ધર્મની અંદર એક જ વાત બહુ કોમન છે કે કોઈ પણ છોકરા – છોકરીના લગ્ન પહેલા એટલી બધી વીધીઓ કે પ્રોસેસ હોય છે જેમાં સ્પષ્ટપણે જણાવવમાં આવે છે કે તું છોકરી છે અને તું કમજોર છે. છોકરી ભલે CEO હોય કે પછી ફાઈટર જેટ ઉડાવતી હોય, પણ લગ્નની વિધિમાં એને ધીરે-ધીરે જ ચાલવાનું અને વળી પાછું ચાર જણા એને એનો હાથ પકડીને લઇ આવે અને જયારે સામે છોકરો એકદમ જ ફ્રી હોય છે બિંદાસ છોકરાને એક દિવસનો નકલી રાજા બનાવવામાં આવે છે અને એક દિવસના નકલી રાજા બનવાની ભરપાઈ એ EMI દ્વારા દર મહિને કરતો રહે છે. આ એક દિવસના રાજાના નામ પણ બહુ જોઈ વિચારીને આપવામાં આવે છે, જેમ કે સ્વામી, ખામી, શોહર, પતિદેવ પ્રાણનાથ – કરોડપતિ એટલે કે કરોડોનો મલિક, મતલબ પતિ એટલે માલિક એવું પહેલેથી જ આપણેં કહી દઈએ છીએ. માલિક એટલે જો હુકુમી કે નિર્ણય કરનાર અને સ્ત્રી એના તમામ નિર્ણયોને માનનાર.

આપણી સોસાયટી ક્યારેય પણ સ્ત્રી પાસે પૈસો રહેવા જ નથી દેતી. પ્રોપર્ટીની અંદર કાયદા પ્રમાણે સ્ત્રી હોય કે પુરુષ બંનેને સરખો જ હક લાગે પણ , આપણે શું કરીએ છીએ ? એ જ વારસાગત સંપત્તિમાંથી 5% જેટલો હિસ્સો દહેજના ભાગરૂપે આપીએ છીએ અને બાકીની પુરી સંપત્તિ પર રાજાબેટો રાજ કરશે. કરુણતા તો એ છે કે કોઈ પણ સ્ત્રીને ભણતર માટે ફરવા માટે , પોતાની કાર લેવા માટે આપણે બિલકુલ જ એને અધિકાર આપતા નથી. એ પણ કોઈ પુરુષ જ નક્કી કરશે કે સ્ત્રીના પોતાના પૈસા એણે વાપરવા કે નહિ. સ્ત્રીઓને એટલી પણ સ્વતંત્રતા નથી.

આ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છ. હું બિલકુલ જ એવું નથી કેહતી કે એમાં પરિસ્થતિઓ પાછળ પુરુષોનો જ હાથ છે કે એ જવાબદાર છે. ખરો ગુનેગાર તો આપણો સમાજ અને એની વિચારસરણી છે. સમાજની અંદર આ તમામ વિચારસરણી માનનાર પુરુષોની સાથે સ્ત્રીઓ પણ એટલી જ મળશે અને આ વિચારસરણી સામે અવાજ ઉઠાવનારાઓમાં પણ સ્ત્રીઓની સાથે-સાથે પુરુષો પણ એટલા જ મળશે.

ડેઝર્ટ – આપણા વિચારોની પરિપક્વતા જ સમાજની અંદર પરિપક્વતા લાવશે અને જેની શરૂવાત દરેક વ્યક્તિએ “સ્વ” થી કરી Women’s Dayની શુભકામનાઓ આપવી જોઈએ.

મોનાલી સુથાર,

જીંદગી એક નવી નજરે,

[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!