MONALI SUTHAR

દીકરા- દીકરીની સમાનતાની લાગેલી હોડ – મોનાલી સુથાર

આપણો સમાજ એ માનસિકતામાંથી મહદઃ અંશે બહાર આવી, એવું સામાન્યતાથી સ્વીકારવા લાગ્યો છે કે જેટલું મહત્વ ઘરની અંદર એક દીકરાનું હોય, એટલું જ મહત્વ કે પછી એનાથી પણ વધારે મહત્વ દીકરીનું ઘરની અંદર રાખવું જોઈએ. એ ખોટું પણ નથી દીકરી તરીકે સમાન હક, સ્વતંત્ર જીવવાનો અધિકાર અને નિર્ણય લેવાની સત્તા, એક વ્યક્તિ તરીકે ચોક્કસ હોવો જોઈએ. એક દીકરીને આત્મનિર્ભર બનાવવી એ કોઈ પણ કુટુંબના સંસ્કારિતાની નિશાની છે.

પણ આ સમાનતાની હોડમાં ઘણા મા-બાપ આજના સમયમાં આધુનિક્તાનો વેશ ધારણ કરી પોતાની જ દીકરીના ભવિષ્ય સાથે ચેડાં કરતા જોવા મળે છે. દીકરીને સપોર્ટ આપવમાં ક્યારેક મા-બાપ એ ભૂલી જાય છે કે પોતે શીખવેલી વધારે પડતી સમાનતાની વાતો પોતાની દીકરીના જીવનને તકલીફ કે મુશ્કેલીભર્યું બનાવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણો સમાજ ચોક્કસપણે પુરુષપ્રધાન સમાજ છે અને એ પુરુષપ્રધાન સમાજ સામે બંડ પોકારવામાં કદાચ આપણે જ આપણા કુટુંબની સંસ્કારિતા અને ઈજ્જત બંનેને દાવ ઉપર લગાવતા હોય છીએ.

લગ્નજીવનની અંદર કોઈ ખટરાગ થાય તો પહેલા મા-બાપ સમજણશક્તિથી પરિસ્થિતિને સાંભળીને ઘરને કેમ સાચવવું એની સલાહ આપતા હતા, ઝઘડાઓના કારણે કોઈ દીકરી એના મા-બાપને વાત કરે ત્યારે મા-બાપ એનો સંસાર કેમ બચાવી શકાય બગડેલ પરિસ્થિતિને કેમ સુધારી શકાય, એની ઉપર ધ્યાન આપતા હતા. મારી નજર સમક્ષ એવા અનેક દાખલાઓ છે કે જ્યાં સમાનતાના માપદંડ ઉપર સવાર થઇ કે પછી સ્ત્રી સ્વતંત્રતાના નામે પોતાના જ સંતાનનું જીવન બગાડતા હોય છે. પરણેલી દીકરીના ઘરની અંદર આજે ક્યુ શાક બનાવવામાં આવ્યું છે, સાસુ કેટલી મદદ કરે છે કામમાં, આજુબાજુના સગાઓમાં કોના ફોન હતા, શું વાત થઇ, દીકરીના પતિ સાથે એનું જીવન કઈ રીતે ચાલુ છે, વગેરે વગેરે… નાની નાની બાબતોમાં પણ આ માં બાપ ચંચુપાત કરી પોતાના જ સંતાનનું જીવન વેરાન છેરણ કરી નાખતા હોય છે. પરણાવેલી દીકરીને સેજ પણ તકલીફ પડે એટલે માં બાપના મુખેથી વર્લ્ડ ફેમસ ડાયલોગ સાંભળવા મળે “તું ચિંતા ના કરતી, તારો બાપ હજી જીવે છે અને આ ઘરના દરવાઝા તારા માટે હંમેશા ખુલ્લા છે” , આ ડાયલોગને સત્ય અને પથ્થરની લકીર માનીને આપણી જ દીકરી પોતાના લગ્નજીવનને અધોગતિ તરફ ધકેલે છે. સમાનતાના વિચારો ઉપર સવાર થઈને મા-બાપ જાણ હોવા છતાં, પોતાની દીકરીનું ભૂલ અને દોષો સમક્ષ આંખ આડા કાન કરે છે. સમાજની અંદર પોતે પોતાની દીકરીને કેટલો પ્રેમ કરે છે એ દેખાડવા માટે થઇ, વધુ પડતી સ્વતંત્રતાનો છૂટોદોર આપી દે છે, અને એના પરિણામ સ્વરૂપે જયારે કોઈ દીકરી દારૂ- સીગરેટની લત, એક કરતા વધુ બોયફ્રેન્ડ રાખવાની ફેશન, લિવ ઈન રિલેશનશીપ જેવા સંબંધો – આ બધી ઘટનાઓ જયારે દીકરીના જીવનમાં વણાઈ જાય છે, ત્યારે માથે હાથ મૂકીને રોવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી.

દીકરી હોય કે દીકરો સમાન જીવવાનો અધિકાર દરેકને છે, એ મારુ અંગતપણે માનવું છે, પણ સમાનતા અને આધુનિક્તાનો ચોલો પહેરીને સંસ્કારહીનતા ભણી કોઈ હરકત કરે તેની સામે સખ્ત વિરોધ છે.

ડેઝર્ટ – દીકરી માટે ભણીગણી પગ ઉપર ઉભા થઇ, એને આત્મનિર્ભર બનાવવાના ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ, પણ દીકરીને બદીઓ તરફ જતી રોકવી એ પણ આપણી જ ફરજ છે.

મોનાલી સુથાર,
જીંદગી એક નવી નજરે,
[email protected]

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!