
વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે સહકારીતા સ્નેહ તથા ખેડૂત સંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ યાર્ડ (ગોવિંદપુરા રોડ) ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સહકારીતા સ્નેહ સંમેલન તથા ખેડૂત સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. સંમેલનમાં પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.
સંમેલનમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સહકારીતા સંબંધિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા, સભ્યોના હિતોની સુરક્ષા અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એચ.ડી.એફ. હોસ્પિટલ માટે જગ્યા ફાળવવામાં આવી છે અને તેની આસપાસના તમામ રસ્તાઓ બનાવાશે. સાબરમતી પુલની કામગીરી શરૂ થઈ ગઈ છે તેમજ ચાર ચેકડેમ માટે મંજૂરી માગવામાં આવી છે. સરકાર દ્વારા અંદાજે ૨૫૦ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની યોજના છે. આગામી સમયમાં વધુ વિકાસ કામો હાથ ધરાશે. સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરીને ટેકાના ભાવે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.
આ પ્રસંગે અશોકભાઈ ચૌધરીએ જાહેરાત કરી હતી કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોના પાકની બજાર ભાવથી ખરીદી શરૂ કરવામાં આવશે અને તેના માટે નવા સ્ટોલ ઊભા કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વરૂપે ઉભરી રહ્યા હોવાનું જણાવી શ્રમિકો તથા ખેડૂતો માટેની સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, અશોક ચૌધરી, કાંતિભાઈ પટેલ, પી.આઈ. પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોર, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ અગન બારોટ સહિત ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થયું હતું.





