Rajkot: દિવાળીના તહેવારમાં ૧૦૮ ની કામગીરીમાં ૧૨ % નો વધારો

તા.૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં ૩ દિવસમાં ૮૦૮ સહીત રાજ્યમાં ૧૫ હજારથી વધુ ઈમરજન્સી કેસ તહેવાર દરમ્યાન મારામારી, વાહન અકસ્માત, આગજનીમાં દાઝી જવાના કેસમાં જોવા મળેલો વધારો
Rajkot: દીપાવલી, નવા વર્ષના તહેવારમાં સામાન્ય દિવસ કરતા હંમેશા ઇમર્જન્સી કેસમાં વધારો થતો હોય છે. જેને ધ્યાને લઈ ૧૦૮ દ્વારા અગાઉથી જ આવી સંભવિત પરિસ્થિતિ માટેનું સંપૂર્ણ સુસજ્જ આયોજન કરાતું હોય છે.
સમગ્ર ગુજરાતમાં આ ત્રણ દિવસના તહેવારમાં દાઝવાના, વાહન અકસ્માત, મારામારી સહિતના બનાવોનું પ્રમાણ વધતા આ વર્ષે સામાન્ય દિવસ કરતા ૧૨ % જેટલો વધારો જોવા મળ્યો હોવાનું પ્રોજેકટ મેનેજર શ્રી ચેતન ગાધે જણાવે છે.
ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૬૦ કેસ સહીત કુલ ૧૫,૧૭૯ કેસ ૧૦૮ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા હતાં. જયારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો દિવાળી અને નવા વર્ષ ના કુલ ત્રણ દિવસ દરમ્યાન સરેરાશ ૨૬૯ કેસ સાથે કુલ ૮૦૮ ઇમરજન્સી કેસમાં ૭.૩૦ % ના વધારાના કેસમાં ૧૦૮ સતત દોડતી રહી હોવાનું શ્રી ચેતન જણાવે છે.
આ દિવસો દરમ્યાન ખાસ કરીને ઝગડાઓને કારણે મારામારીમાં લોકો ઘાયલ થતા હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલાઇઝ કરવાના કેસ સૌથી વધુ જોવા મળે છે. જેમાં ૧૨૮ % નો વધારો આ વર્ષે જોવા મળ્યો છે. જયારે વાહન અકસ્માતમાં લગભગ બમણા કેસ જોવા મળે છે. જયારે આગથી દાઝી જવાના કેસમાં રાજકોટમાં ત્રીજા ક્રમે ૮ કેસ નોંધાયા છે.
રાજકોટમાં આ ત્રણ દિવસો દરમ્યાન મારામારીના કારણે ૫૧ લોકોને સારવાર માટે ૧૦૮ નો સહારો પૂરો પાડવામાં આવ્યો હતો, જે લગભગ ત્રણ ગણો વધારે જોવા મળ્યો છે. જયારે વાહન અકસ્માતમાં એવરેજ ૨૫ ની સામે સરેરાશ ૪૭ જેટલા અકસ્માત સાથે બમણો વધારો થયો હતો.
રાજ્ય સરકારની આરોગ્ય સેવા એવી ૧૦૮ ઇમર્જન્સી સેવા સતત લોકોના આરોગ્ય માટે દોડતી રહે છે, ત્યારે દિવાળીના તહેવારોમાં વિશિષ્ઠ કામગીરી સાથે લોકોના જીવ બચાવવા ૧૦૮ કર્મીઓ આ ત્રણ દિવસ દરમ્યાન સતત દોડતા રહી અનેક મહામૂલી ઝીંદગી બચાવી માનવતાની ઉત્કૃષ્ઠ મિશાલ પુરી પાડી છે.




