હેવાનિયતની હદો પાર : 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરાની હત્યા કરી લાશ સાથે દુષ્કર્મ આચર્યું

કોલકાતાના ન્યુ ટાઉન એરિયામાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયતનો બનાવ સામે આવ્યો છે. ન્યુ ટાઉન એરિયામાં ઈ રિક્ષા ચલાવતી રહેલા સૌમિત્ર રોય નામના 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરાની પહેલા હત્યા કરી નાખી પછી તેની લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપી – સૌમિત્ર રોય, જેને રાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટોટો (ઈ-રિક્ષા) ડ્રાઈવર હતો – તેણે પહેલા છોકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી લાશ સામે દુષ્કર્મ આચર્યું હતું. રોય નાદિયાના રાણાઘાટનો રહેવાસી છે અને થોડા મહિના પહેલા જ ન્યૂ ટાઉન શિફ્ટ થઈ ગયો હતો.
રોયની પત્ની મૌસુમીએ પોલીસને જણાવ્યું છે કે તેની ચાર વર્ષ પહેલા રાણાઘાટમાં તેના એક મિત્રની ગર્લફ્રેન્ડ સાથે છેડતી અને દુર્વ્યવહાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, અને તે માટે તે આઠ મહિનાથી જેલમાં હતો. અગાઉના કેસના સંદર્ભમાં તેને હજુ પણ રાણાઘાટ કોર્ટમાં હાજર થવાનું બાકી છે.
આરોપી તેની પીડિતાના પડોશમાં જ રહેતો હતો. ગુરુવારે, જ્યારે તેણે તેણીને મોડી રાત્રે એકલી ફરતી જોઈ, ત્યારે તેણે તેને ઘેર મૂકી જવાની વાત કરી હતી. ગુરુવારે મોડી રાત્રે ન્યુ ટાઉનના ગૌરંગાનગરમાં માતા અને બહેન સાથે ઝઘડા બાદ ઘરેથી નીકળેલી ધોરણ 8 ની વિદ્યાર્થિની રાતે 2 કિમી સુધી ચાલી હતી ત્યારે રોય રિક્ષા લઈને આવ્યો હતો અને તેણે તેને બેસાડીને ઘેર લઈ જવાનું કહ્યું હતું. ડ્રાઇવરની બાજુમાં બેઠી હતી. થોડે છેટે ગયા બાદ પીડિતાને ઝોકા આવવા લાગતાં આરોપી રિક્ષાને અવાવરુ સ્થળે લઈ ગયો જ્યાં બૂમો પાડતા આરોપીએ પીડિતાનું ગળું દબાવી દીધું હતું પછી લાશ ઢસડીને થોડે છેટે લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું પછી ઘેર આવીને સુઈ ગયો.
પોલીસે તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તે રાતે નશામાં હતો, બિરીયાની પણ ખાધી હતી. તેણે હત્યાનો ગૂનો કબૂલી લીધો છે.
પોલીસે કહ્યું કે રાતે માતા અને બહેન સાથે ઝગડો થતાં પીડિતા ઘર બહાર નીકળી ગઈ હતી અને 7 કિમી દૂર રહેતાં તેના કાકાના ઘેર જવાનો વિચાર કર્યો હતો પરંતુ રાતે સાધન મળે તેમ નહોતું તેથી ચાલતાં ચાલતાં જતી હતી જે દરમિયાન તે આ રિક્ષાવાળાની નજરે ચઢી અને તેણે બેસાડીને હેવાનિયત આચરી.




