RAMESH SAVANI
વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?
ગાંધીજી ઈચ્છતા કે શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસ બેઠો થઈ જાય ! એટલા માટે તેમણે 18 ઓક્ટોબર 1920ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. સાહિત્યકાર મનુભાઈ પંચોળી-દર્શકે કહ્યું હતું : “ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મરદાનગી આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડતાં શીખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી, એવી તાકાત જન્મવી જોઇએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે. સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઇએ, શિક્ષણ, સાહિત્ય અને સેવાએ જે કરવાનું છે તે આ છે. શિક્ષણ ખાતર શિક્ષણ નહીં, સાહિત્ય ખાતર સાહિત્ય નહીં, સેવા ખાતર સેવા નહીં, તે ત્રણેમાંથી શક્તિ પ્રગટવી જોઇએ. માણસ બેઠો થવો જોઇએ. આવી તાકાત જો ન નીપજતી હોય, તો શિક્ષણ-સાહિત્ય- સેવા બધું નકામું.”
વડાપ્રધાને કહેલ કે ‘રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી તે પહેલાં ગાંધીને દુનિયામાં કોઈ જાણતું નહોતું’ તે સંદર્ભમાં મારું મંતવ્ય લેવા ‘ETVભારત’ ટીવી ચેનલનાં પત્રકાર કાજલ ચૌહાણ અને કેમેરામેન મુકેશ ડોડિયા 31 મે 2024ના રોજ મારા ઘરે સાંજે આવેલા. તેઓ આ હેતુસર ગૂજરાત વિદ્યાપીઠમાં જઈને મારી પાસે આવેલા.
કાજલ ચૌહાણે જણાવેલ કે “અમે ગૂજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ પત્રકારત્વ વિભાગના વિદ્વાન અધ્યાપક અશ્વિન ચૌહાણ પાસે ગયા. તેમણે મોદીના વિધાન અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તમે ગાંધી વિચાર વિભાગના અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર સાથે વાત કરો. પછી અમે વિદ્વાન અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર પાસે ગયા. તેમણે કહેલ કે તમો વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની મંજૂરી લઈને આવો. તેથી અમે હર્ષદ પટેલ પાસે ગયા. તેમણે કહ્યું કે હું રાજકારણમાં પાડવા માગતો નથી એટલે આ મુદ્દે હું કશું નહિ બોલું !”
અને વાત પતી ગઈ.
મહાત્મા ગાંધીની તો આખી જિંદગી જ રાજનીતિમાં ગયેલી. એ ગાંધીની વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો ગાંધી વિશે દેશના વડા પ્રધાન કશુંક વાહિયાત બોલે તો પણ પોતાનું મંતવ્ય ન આપી શકે એ હાલતમાં ગૂજરાત વિદ્યાપીઠ આવી ગઈ છે ! ગોડસેવાદીઓએ આ વિદ્યાપીઠને ગુલામ ઉછેર કેન્દ્રમાં ફેરવી નાખી છે !
નરેન્દ્ર મોદીએ 2020માં નવી શિક્ષણ નીતિ બનાવી, તેમાં 8 વખત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ critical thinking કરતા થાય એવો ઉદ્દેશ લખેલો છે. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં critical thinking તો ઠીક પણ thinking એટલે વિચાર કરવા ઉપર અને વિચારની અભિવ્યક્તિ પર જ હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે !
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘સ્વતંત્રતા કદી પણ કોઈ પણ કિંમતે મોંઘી હોઈ શકે નહિ. એ તો જિંદગીનો શ્વાસ છે.’ ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વતંત્રતાનો શ્વાસ રૂંધાઈ ગયો છે. વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?rs [સૈજન્ય : હેમંતકુમાર શાહ, 2 જૂન 2024]