RAMESH SAVANI

ગાય/ આખલાની ઢીંકથી મોત થાય તો નગરપાલિકાની જવાબદારી થાય?

17 ઓગસ્ટ 2018ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ગંજીવાડામાં રહેતા મુકેશભાઈ મોહનભાઈ રાઠોડ (40) રાત્રે 9.00 વાગ્યે મહાકાળી ચોક પાસે પોતાના મોટરસાયકલ પર ઘર તરફ આવતા હતા, ત્યારે રસ્તા પર રખડતી ગાયે તેમને હડફેટે લઈ ઢીંક મારી પાડી દીધેલ. તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટમાં લઈ ગયેલ જ્યાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મૃત્યુ થયેલ.
આ દુ:ખદ ઘટના બાદ, મુકેશભાઈના પત્ની મીનાબેન (30) તથા તેમના બે સગીર સંતાનોએ રાજકોટ મહાનગરપાલિકા/ પોલીસ કમિશનર/ જિલ્લા મેજિસ્ટ્રેટ/ ગૃહ સચિવ અને સરકારને તેમની કાયદેસરની ફરજો બજાવવામાં નિષ્ફળતા માટે નોટિસ આપી. અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી બદલ રૂપિયા 15,00,000/-નું નુકસાન વળતર મેળવવા રાજકોટની સિનિયર કોર્ટ સમક્ષ દીવાની દાવો દાખલ કરેલ.
આ ઘટના બની ત્યારે થોરાળા પોલીસ સ્ટેશને રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી અને સરકારી તંત્રની વિરુદ્ધ રખડતા ઢોરોને પકડવામાં બેદરકારી અને નિષ્કાળજી રાખવા બદલ ગુનો દાખલ કરવાને બદલે મૃતક મુકેશભાઈની સામે IPC કલમ-279, 304 હેઠળ ગુનો દાખલ કરી બેદરકાર તંત્રને છાવરવાની કોશિશ કરેલ હતી.
મુકેશભાઈના પરિવારને નુકસાન વળતર અપાવવા માટે સિનિયર એડવોકેટ કે. બી. રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી. સુપ્રિમકોર્ટ/ દિલ્હી હાઇકોર્ટ/ પંજાબ હરિયાણા હાઇકોર્ટ/ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓનો હવાલો આપી નગરપાલિકાની ઢોર નિયંત્રણની જવાબદારી અંગેની જોગવાઈનો ઉલ્લેખ કરેલ હતો. તેમણે દલીલ કરેલ કે “બંધારણના આર્ટિકલ-21 મુજબ દેશના દરેક નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવાની રાજ્યની કાનૂની ફરજ અને જવાબદારી છે. કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલ કાનૂની ફરજો બજાવવામાં સરકારનું તંત્ર જો નિષ્ફળ જાય તો આવી નિષ્ફળતા અને બેદરકારી માટે નાગરિકોના જાનમાલને નુકસાન થવાના કિસ્સામાં પીડિત અને ભોગ બનનારને નુકસાન વળતર ચૂકવવાની જવાબદારી તેમની બને છે.”
જજ આઈ. એમ. શેખ સાહેબની કોર્ટે 30 માર્ચ 2024ના રોજ, વાદી અને પ્રતિવાદી તરફથી રજૂ થયેલ મૌખિક તથા લેખિત પુરાવા ધ્યાને લઈને મૃતક મુકેશભાઈના વારસદારોનો દાવો મંજૂર કરી રૂપિયા 13,70,000/-નું નુકસાન વળતર વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કરેલ છે.
પૂર્વ જિલ્લા જજ અને જાગૃત એડવોકેટ કે. બી. રાઠોડની સંવેદનશીલતાને કારણે પીડિત પરિવારને રૂપિયા 13,70,000/-નું નુકસાન વળતર મળી શક્યુ છે અને આ પ્રકારની ઘટનાઓમાં નગરપાલિકા/ મહાનગર પાલિકાઓ સામે દાવો દાખલ કરી ન્યાય મેળવી શકાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ આપણા સૌ માટે પૂરું પાડ્યું છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!