RAMESH SAVANI

જામનગર પોલીસે Suicide note નું જ ગળું દબાવી દીધું !

કુદરતે દરેક જીવમાં જીજીવિષા મૂકી છે. કારણ વિના કોઈ આત્મહત્યા ન કરે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેના કારણો હોય છે. આ કારણો અંગે આત્મહત્યા કરનાર કોઈ મૌખિક વાત કરે તેને ‘Dying Declaration-ડાઈંગ ડેકલેરેશન’ કહેવાય છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ આત્મહત્યા માટે જવાબદાર કારણ અને વ્યક્તિનું નામ લેખિતમાં જણાવે તો તેને ‘Suicide note’ કહે છે. સુસાઈડ નોટ અથવા ‘ડેથ નોટ’ એ કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલ સંદેશ છે જે આત્મહત્યા દ્વારા મૃત્યુનો ઇરાદો સૂચવે છે. ડાઈંગ ડેકલેરેશન એ મૃત્યુ પામેલા વ્યક્તિ દ્વારા તેના મૃત્યુના સંજોગોની સમજૂતી આપતું મૌખિક નિવેદન છે. ગંભીર ફોજદારી કેસમાં ડાઈંગ ડેકલેરેશનની નોંધ મેજિસ્ટ્રેટ હોસ્પિટલમાં આવીને કરે છે. પરંતુ વ્યક્તિનું મૃત્યુ રસ્તામાં કે ઘટના સ્થળે થઈ જાય તો મરણ જનારે જેની સમક્ષ મરણ અંગેની વાત કરી હોય તેનું નિવેદન પણ ડાઈંગ ડેકલેરેશનનો ભાગ બને છે.
રમેશ કુમાર વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યના કેસમાં સુપ્રિમકોર્ટે 2001માં ઠરાવેલ છે કે “જો આરોપી તેના કૃત્ય અથવા સતત આચરણથી એવા સંજોગો ઊભા કરે કે મૃતક અથવા પીડિત પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચે નહીં, તો આવું વર્તન/કૃત્ય આત્મહત્યાની ઉશ્કેરણી તરીકે અનુમાનિત થઈ શકે છે.” મૃતકને હેરાનગતિ થતી હતી/ ત્રાસ હતો, એ બાબત કઈ રીતે સાબિત થાય? ‘ડાઈંગ ડેકલેરેશન’/ સુસાઈડ નોટ મહત્વનો પુરાવો છે. મૃતકના પરિવાર આ બાબતે પોલીસ સમક્ષ/ કોર્ટ સમક્ષ પુરાવા આપી શકે. એવિડન્સ એક્ટની કલમ-32 મુજબ ડાઈંગ ડેકલેરેશન મૃત્યુના કારણ સંબંધી હોય ત્યારે માન્ય છે. 2017માં, સુરેશચંદ્ર વિરુદ્ધ પશ્ચિમ બંગાળના કેસમાં સુપ્રિમકોર્ટે ઠાવેલ કે “ડાઈંગ ડેકલેરેશનના આધારે આરોપીને સજા કરી શકાય છે.” મૃત્યુના કારણ સાથે સંબંધિત હોય અથવા મૃત્યુ તરફ દોરી જતા સંજોગો સાથે સંબંધિત હોય, આત્મહત્યાની સૂચનાના રૂપમાં ‘સુસાઇડ નોટ’ પણ આરોપીને દોષિત ઠેરવવા માટેના એકમાત્ર પુરાવા તરીકે માન્ય છે.
જામનગર જિલ્લાની પોલીસે, કાયદાનો/ પોલીસ મેન્યુઅલનો સાવ ઊલાળિયો કરી નાખ્યો છે. કોઈ માની ન શકે તેવી શરમજનક ઘટના બની છે. લાલપુરના સીમેન્ટના વેપારી રામભાઈ અરજણ ભાઈ વસર-આહિરે 16 જુલાઈ 2024ના રોજ દિગ્વિજય સીમેન્ટ કંપની લિમિટેડને ઉદ્દેશીને સુસાઈડ નોટ લખી : “દિગ્વિજય સીમેન્ટ કંપનીના અધિકારી પરાગ માથુર (મોબાઈલ નંબર 9099037816) દ્વારા નવેમ્બર 2023ના અરસામાં અમારી દુકાને આવેલા અને મને કહેલ કે ‘મારે તાત્કાલિક પૈસાની જરુર છે. મેં રાજસ્થાનમાં ફ્લેટ લીધો છે. તમે મને પૈસા આપો. હું થોડા સમયમાં પરત કરી દઈશ’. તે સમયે મેં આદિત્ય બિરલા/ પીરામલ/ ચોલામંડલમમાંથી લોન કરાવેલ હોવાથી રુપિયા 22 લાખ મેં પરાગ માથુરને આપેલા. જે મને પરત આપેલા નથી. મેં અનેક વખત રુબરુ તથા ફોન મારફતે મારા રુપિયાની માંગણી કરેલ. પરાગ માથુરે મારી સાથે ચીટિંગ/ વિશ્વાસઘાત/ છેતરપિંડી કરેલ છે. મેં કંપનીના અધિકારી રાજીવ નામ્બીયાર (મોબાઈલ નંબર 8980199944) તથા પી. આર. સિંઘ (મોબાઈલ નંબર 9099037802)ને અનેક વખત ફોન કરી પરાગ માથુરની છેતરપિંડી અંગે વાત કરેલ ત્યારે તેમણે મારો નંબર બ્લોક કરેલ. હાલ હું ખૂબ ડીપ્રેશનમાં છું. તેથી જો હું આત્મઘાતી પગલું ભરી લઉં તો પરાગ માથુરને તથા દિપક પુજારાને જવાબદાર ગણવા.”
રામભાઈ આહિરે ઝેરી દવા પીતા પહેલાં તેમના વેવાઈ માલદેભાઈને ફોન કરીને કહેલ કે “છેલ્લા રામ રામ ! હું છેલ્લું પગલું ભરું છું અને હું બધું લખતો ગયો છું.”
રામભાઈએ 16 જુલાઈ 2024ના રોજ આત્મહત્યા કરી પણ જામનગર પોલીસે 30 જુલાઈ 2024 સુધી ગુનો દાખલ કરેલ નથી ! પોલીસની દલીલ છે કે “રામભાઈના ખિસ્સામાંથી જે લખાણ મળ્યું તે ‘સુસાઈડ નોટ’ નથી પણ ‘અરજી’ છે ! એટલે પોલીસ AD-Accidental death ની તપાસ કરે છે !” માની લઈએ રામભાઈએ ‘અરજી’ કરી છે; તો અરજીમાં છેતરપિંડી/ વિશ્વાસઘાત/ ચીટિંગની કોગ્નિઝેબલ ગુનાની વિગત છે જ; પરંતુ પોલીસે તે અંગે પણ કોઈ તપાસ કરી નથી ! ગંભીર ગુનાને, ADમાં મિનિમાઈઝ કરી દીધો ! કેટલું શરમજનક : જામનાર પોલીસે આત્મહત્યા કરનાર રામભાઈના ખિસ્સામાંથી મળેલ ‘સુસાઈડ નોટ’ને ‘અરજી’માં ફેરવી નાખી છે ! પોલીસે Suicide note નું જ ગળું દબાવી દીધું !
સૌથી મોટો સવાલ એ છે કે જિલ્લા પોલીસ વડા/ રેન્જ IGP/ ગુજરાતના પોલીસ વડાની સંવેદના જાગશે? પરાગ માથુરને જેલમાં પૂરશે?rs

Back to top button
error: Content is protected !!