બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

ભારતીય બિઝનેસ જગતમાં એક અત્યંત પ્રભાવશાળી વળાંક આવ્યો છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ વિશ્વના અબજોપતિઓની યાદીમાં પણ નવો ક્રમ જોવા મળ્યો છે.ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વધીને $92.6 અબજ (આશરે ₹7.7 લાખ કરોડ) થઈ ગઈ છે, અદાણી ગ્રુપના શેરોમાં આવેલા ઉછાળાને કારણે એક જ દિવસમાં તેમની સંપત્તિમાં $3.56 અબજ ઉમેરાયા હતા.
આજે જ્યારે દુનિયાના અર્થતંત્રો ડગમગી રહ્યા છે અને મોટા ગજાના અબજોપતિઓ પોતાની સંપત્તિ બચાવવા મથી રહ્યા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ગૌતમ અદાણીએ લોખંડી પુરુષની માફક કમબેક કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અદાણીએ મુકેશ અંબાણીને પછડાટ આપીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિનું ગૌરવવંતું સ્થાન ફરી હાંસલ કર્યું છે. તેઓ એશિયામાં પ્રથમ અને વિશ્વમાં 19મા સ્થાને પહોંચી ગયા છે.
આ વર્ષે જ્યાં વિશ્વના ટોચના ૨૦ અબજોપતિઓમાંથી ૭ દિગ્ગજો (જેમાં બર્નાર્ડ આર્નોલ્ટ અને મુકેશ અંબાણી પણ સામેલ છે) નુકસાન વેઠી રહ્યા છે, ત્યાં ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિમાં $8.1 અબજનો ધરખમ વધારો કર્યો છે. મુકેશ અંબાણીએ આ વર્ષે $16.9 અબજ ગુમાવ્યા છે, જેની સામે અદાણીનો આ ઉછાળો તેમની અજેય બિઝનેસ કુનેહનો પુરાવો છે.
શેરબજારમાં અદાણી જૂથના શેરોમાં જોરદાર ઉછાળો, એરપોર્ટ અને પોર્ટ ક્ષેત્રમાં દબદબો, અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસને ફગાવી દેવાની અરજી પર કોર્ટની હકારાત્મક હિલચાલનાકારણે રોકાણકારોનો વિશ્વાસ અદાણી જૂથમાં વધ્યો છે.
ગ્લોબલ ઈમ્પેક્ટની વાત કરીએ તો, આ યાદીમાં એલોન મસ્ક ભલે $656 અબજ સાથે ટોચ પર હોય, પણ ગૌતમ અદાણીની આ આગેકૂચ એ સંકેત છે કે ભારત હવે વૈશ્વિક આર્થિક મંચ પર માત્ર સહભાગી નથી, પણ સંચાલક બની રહ્યું છે. અદાણીનો આ ઉદય ભારતીય મધ્યમવર્ગના રોકાણકારો અને અર્થતંત્ર માટે આશાનું નવું કિરણ છે.
ગૌતમ અદાણીનું ગ્રીન એનર્જી, પોર્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનું ફોકસ તેમને અન્ય કરતા અલગ પાડે છે. તેમની આ તેજી પાછળ લાંબાગાળાના વિરાટ પ્રોજેક્ટ્સનો મોટો હાથ છે, જે આવનારા દાયકાઓ સુધી ભારતની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે.
આ યાદીમાં એલોન મસ્ક $656 બિલિયનની નેટવર્થ સાથે વૈશ્વિક રેન્કિંગમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે, ત્યારબાદ લેરી પેજ $286 બિલિયન સાથે બીજા ક્રમે છે. ટોચના 10 માં અન્ય નામોમાં જેફ બેઝોસ, સેર્ગેઈ બ્રિન, માર્ક ઝુકરબર્ગ, લેરી એલિસન, માઈકલ ડેલ, જેન્સન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જીમ વોલ્ટનનો સમાવેશ થાય છે.






