GUJARAT

વઘઈ ગામના ભરવાડ ફળિયામાં દીપડાનો આતંક સમાપ્ત:-વન વિભાગના પાંજરામાં દિપડો પુરાયો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ તાલુકા મથકના ભરવાડ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ફેલાયેલો દીપડાનો ફફડાટ આખરે દૂર થયો છે.દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક કદાવર દીપડો આબાદ ઝડપાઈ જતાં સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વઘઈના ભરવાડ ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો અવારનવાર દેખા દેતો હતો.રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તારની નજીક આંટાફેરા મારતો હોવાથી પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભારે દહેશત વ્યાપી હતી. પશુઓ પર હુમલો થવાના ડરે લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ગભરાતા હતા.આ અંગે ગ્રામજનોએ દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માંગ કરી હતી.ગ્રામજનોની સતત રજૂઆતને ગંભીરતાથી લઈને દક્ષિણ ડાંગ વન વિભાગનાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારી દ્વારા ભરવાડ ફળિયા વિસ્તારમાં દીપડાની અવરજવર વાળા માર્ગો પર વ્યુહાત્મક રીતે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.વઘઇ વન કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી હતી. વહેલી સવારે જ્યારે વન વિભાગની ટીમ તપાસ કરવા પહોંચી ત્યારે પાંજરામાં દીપડો સફળતાપૂર્વક કેદ થયેલો જોવા મળ્યો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા દીપડાને સુરક્ષિત રીતે કબ્જામાં લેવામાં આવ્યો છે. દીપડાનું શારીરિક પરીક્ષણ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની અથવા વન વિભાગના ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે ખસેડવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.દીપડો પકડાતા હવે વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જોકે, જંગલ સરહદી વિસ્તાર હોવાને કારણે સાવચેતી રાખવી હિતાવહ છે. આ સફળ ઓપરેશન બાદ ભરવાડ ફળિયાના રહીશોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો છે..

Back to top button
error: Content is protected !!