
નર્મદા : ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા પોઇચા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સફળ મોકડ્રીલ યોજાઈ
મોકડ્રીલ દરમિયાન ૭ નાગરિકો ઊંડા પાણીમાં ફસાઈ જતાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયાં
ત્રિવેણી ઘાટ વિસ્તારમાં પૂરનો સિનારિયો સર્જી વિવિધ વિભાગોએ સંકલિત બચાવ અને રાહત કામગીરીનું કર્યું જીવંત પ્રદર્શન
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ત્વરિત, સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી, જિલ્લા કલેકટર ગંગાસિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઇચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર અને આપત્તિના સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌરે જણાવ્યું હતું કે, મોકડ્રીલના સિનારિયો મુજબ નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ત્રિવેણી ઘાટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વચેતવણી જાહેર કરવામાં આવી, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) સક્રિય કરવામાં આવ્યું અને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. તમામ વિભાગોએ પોતાની જવાબદારીઓ સુમેળપૂર્વક નિભાવી મોકડ્રીલને સફળ બનાવી હતી.
જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર એચ. જે. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નદીના પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતાં પોઇચા ત્રિવેણી ઘાટ ખાતે કેટલાક નાગરિકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતાં સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સવારે ૧૦:૦૦ કલાકે ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં નાંદોદના મામલતદાર, સ્થાનિક તલાટી અને સરપંચને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તબીબી ટીમ એમ્બ્યુલન્સ સાથે તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આપદા મિત્રોના સહયોગથી પાણીમાં ફસાયેલા કુલ ૭ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
SRP ગ્રુપ-૧, કંપની-એ, પ્લાટૂન નં. ૩ના PSI કે. શી. રાઠવાએ જણાવ્યું હતું કે, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી જાણ મળતાં એસ.ડી.આર.એફ.ની ૨૦ સભ્યોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા રસ્સા, રબર બોટ સહિતના બચાવ સાધનોનો ઉપયોગ કરીને પાણીમાં ફસાયેલા તમામ ૭ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બચાવાયેલા તમામ નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભીડ નિયંત્રણ, નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તેમજ રેસ્ક્યુ ટીમના વાહનોને અવરજવર સરળ રહે તે માટે માર્ગ વ્યવસ્થાપનની કામગીરી અસરકારક રીતે સંભાળી હતી.
સમગ્ર મોકડ્રીલ દરમિયાન નાંદોદના પ્રાંત અધિકારિ પરસનજીત કૌર સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ તેમણે સમગ્ર કામગીરીની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને આપત્તિના સમયે વધુ અસરકારક પ્રતિસાદ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
આ મોકડ્રીલમાં જિલ્લા આરોગ્ય વિભાગ, તબીબો અને પેરામેડિકલ ટીમ, એસ.ડી.આર.એફ., પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપળા નગરપાલિકાનો ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો તેમજ વિવિધ સંબંધિત વિભાગો અને એજન્સીઓએ સંકલિત કામગીરી કરી સફળ બચાવ અને રાહત કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.






