NATIONAL

શું ભારત દેશ ખરેખર આઝાદ છે???

(નિતીન રાઠોડની કલમે…)

ખુશી તો બહુ છે કે આપણે દર વર્ષે સ્વતંત્રતા પર્વ મનાવીએ છીએ. આ પર્વ આપણી માટે અન્ય તહેવારોની જેમ એક તહેવાર બની ગયો છે. પરંતુ શું આપણને ‘સ્વતંત્રતા’નો અર્થ ખબર છે? કોઈ તમને પૂછે કે શું તમે સ્વતંત્ર છો? શું જવાબ આપશો? આ સ્વતંત્રતાની શરૂઆત આપણીથી થાય છે. આપણે પહરીએ છીએ તે કપડાં, બોલીએ છીએ તે ભાષા, ધર્મ, જાતિ… ન જાણે એવું કંઈ કેટલુંય છે જે આપણને વારસામાં મળ્યું છે ને આપણે સ્વીકારી લીધું છે. આમાં આપણું પોતાનું શું છે? ખરેખર! આ તો એકદમ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ જ્યારે આપણે ભારતની સ્વતંત્રતાની વાત કરતા હોઈએ ત્યારે મુદ્દો ગંભીર બની જાય છે. કારણ કે ભારત એક દેશ છે અને એ દેશમાં ૧૪૦ કરોડ લોકો રહે છે. એટલે સ્વતંત્રતાની વાત થાય તો એ વાત આ ૧૪૦ કરોડ વ્યક્તિઓની સ્વતંત્રતાની છે, એમની વાણી, વર્તન, અભિવ્યક્તિની છે.

આજ, એટલે કે ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની રાત્રીનો સમય એ હતો કે જેની ભારતવાસીઓ છેલ્લા બસ્સો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. અને આ રાત્રિએ ફાઇનલી આપણને આઝાદી મળી ગઈ. પરંતુ શેનાથી? અંગ્રેજોથી? અંગ્રેજીપણાથી? કુશાસનથી? ભ્રષ્ટાચારથી? અન્યાયથી? ગરીબીથી? બેરોજગારીથી? જનતાને ભીના ગાભાની જેમ નીચોડી નાખતા સરકારના ખોટા કાયદાઓથી? પોલીસ, નેતાઓ કે અન્ય વ્યક્તિઓના અત્યાચારથી? કોનાથી આઝાદી મળી આપણને? ચાલો, સૌથી પહેલા તો એ સમજી લઈએ કે ‘આઝાદી’ ખરેખર શું હોય છે?

હાથીનું એક બચ્ચું જન્મ્યું. માલિકે એના જન્મથી જ એના પગને સાંકળથી બાંધી દીધા. એ બચ્ચું બહુ ટ્રાય કરતું સાંકળથી છૂટવાની. પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ. એણે બે, ત્રણ, ચાર મહિના ટ્રાય કરી. પણ છૂટી ન શક્યું. છેવટે એણે પ્રયત્ન કરવાના જ બંધ કરી દીધા. એણે માની લીધું કે હું ગમે તેટલા પ્રયત્ન કરીશ, આ સાંકળથી છૂટી નહિ શકું. બચ્ચું મોટું થયું ને હાથી બની ગયો. પછી માલિકે એના પગમાંથી સાંકળ કાઢી નાખી અને એને સાધારણ દોરડાથી બાંધી દીધા. એણે તો માની લીધું હતું કે પ્રયત્ન કરવા છતાં એ છૂટી નહિ શકે, આથી એણે એકપણ પ્રયત્ન કર્યો નહિ. આને કહેવાય ગુલામી. એક લાતે દીવાલમાં બાકોરું પાડી દેનાર મહા કદાવર હાથી એક સાધારણ દોરડાને તોડી ન શક્યો. કારણ કે એ વિચારોથી ગુલામ બની ગયો હતો. આવું જ કઈક પાંજરામાં પૂરેલા પક્ષીઓ કે પ્રાણીઓ સાથે પણ થતું હોય છે પ્રાણીસંગ્રહાલયમાં. અમુક સમય સુધી એમને પાંજરામાં પૂરી રાખવામાં આવે તો તેઓ એ પાંજરાને જ આખી દુનિયા સમજી લેતા હોય છે. શારીરિક સ્વતંત્રતા કરતા માનસિક સ્વતંત્રતા વધારે મહત્ત્વપૂર્ણ છે. આથી, ભારતની આઝાદીનું પર્વ મનાવતી વખતે આપણને એની ‘આઝાદી’નો વિચાર આવવો જોઈએ.

ક્રૂર, કપટી અંગ્રેજોના ગયા પછી શું ભારત એ પાછું મેળવી શક્યું છે જે એમના આવ્યા પહેલા એની પાસે હતું? શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, મીડિયા, મનોરંજન, કૃષિ, પશુપાલન, સુરક્ષા, ન્યાય વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા… કઈ વ્યવસ્થા આપણે ભારતીય માન્યતાને આધારે પાછી ઊભી કરી શક્યા છીએ? જો આપણે ભારતીય મૂળની એ વ્યવસ્થાને પાછી ભારતમાં લાગુ નથી કરી શક્યા તો શેની આઝાદી? કેવી આઝાદી? પેઢીઓની પેઢી અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થામાં ભણી રહી છે. શું આપણે આપણી વાસ્તવિક ગુરુકુળ પદ્ધતિની શિક્ષણ વ્યવસ્થાને ફરી લાગુ કરી શક્યા? આજે પણ ૧૯૪૭ પહેલા એટલે કે કહેવાતા આઝાદ ભારત પૂર્વે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા અનેક કાયદાઓ ભારતમાં લાગુ છે. જો ભારત આઝાદ થઈ ગયું છે તો એ કાયદાઓ હજુ પણ શા માટે? આજે આપણી કુટુંબ વ્યવસ્થા તૂટી ગઈ, ખેતી કરવાની આપણી જૂની પરંપરા બદલાઈ ગઈ… આવી તો કંઈ કેટલીય બાબતો છે જે આઝાદીનો પ્રશ્ન ઉઠાવે છે. ઋષિ, અવતાર, શૂરવીર, ક્રાંતિકારીઓ માંથી કોના સંકલ્પ અને સપનાનું ભારત આપણે બનાવી શક્યા છીએ? જો ભારત દેશ આઝાદ છે તો બહારની સતા જેવી કે WHO, WTO, WEF, WORLD BANKના નિયમોનુ પાલન ભારત શા માટે કરી રહ્યું છે? પોતાની વ્યવસ્થા શા માટે નથી બનાવતી? શું આ દેશની પ્રજા પોતાના વિચારો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરી શકે છે? ખુદને જ પ્રશ્ન પૂછો, નેતાઓ દર પાંચ વર્ષે તમારી પાસે આવીને કંઈકેટલાય વાયદાઓ કરી જાય છે, પાંચ વર્ષમાં એ વાયદાઓ પૂરા ન થાય તો તમે એમને આ બાબતે પ્રશ્ન પૂછી શકો છો? આજે પણ લિખિત દસ્તાવેજોમાં ભારતને બ્રિટિશ ભારતના સ્થાને અંગ્રેજો દ્વારા સ્થાપિત દર્શાવવામાં આવે છે. તો પછી અસલી ભારત ક્યાં છે? અસલી ભારતીયો ક્યાં છે?

માત્ર એક ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભગાડવી એ જ આઝાદી હોય તો ૧૯૪૭ પછી અનેક કંપનીઓને અન્ય દેશોમાંથી ભારતમાં લાવવામાં આવી, બોલાવવામાં આવી એને શું કહેશો? અનેકો વિદેશી કંપનીઓ આજે ભારતમાં અબજો રૂપિયાનો બિઝનેસ કરીને એ રૂપિયો પોતાની સાથે લઈ જાય છે. ભારતવાસીઓ પોતાના જીવનજરૂરિયાતની કેટલી સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે? સ્વદેશી, સ્વરાજ્ય, આધ્યાત્મ અને સાચા ઇતિહાસ વિનાનો આ દેશ આઝાદ કહેવાય છે એ વાત જ આશ્ચર્યજનક છે.

ભારતની આઝાદીના આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણને આપણી પાસેથી જ મળશે. કારણ કે સ્વતંત્રતા વિચારોમાંથી જન્મે છે અને વિચારો વ્યક્તિગત હોય છે. જે વિચારોથી સ્વતંત્ર છે તેને જગતની કોઈ સાંકળ અટકાવી નથી શકતી.

Back to top button
error: Content is protected !!