BHARUCHGUJARAT

ખેતરના વીજકરંટથી યુવકનું મોત થયાનો ઘટસ્ફોટ:વાલીયાના ખેતરમાં ભૂંડથી પાક બચાવવા લગાવેલા વીજ કરંટથી યુવકનું મોત, બે આરોપીઓની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં લાશને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા 31 ડિસેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. બે દિવસ બાદ 2 જાન્યુઆરીએ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજ કરંટ જણાવવામાં આવ્યું હતું.
LCB પીઆઈ એમ.પી. વાળાની આગેવાની હેઠળની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દોલતપુર ગામના દેવેન્દ્ર શામજી ક્યાડા અને ગંભીર બુધિયા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો.
આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથળીમાં ભરીને ટીવીએસ સ્ટાર બાઈક પર સુકવાણા ગામની સીમમાં ફેંકી દીધો હતો. પોલીસે બંને આરોપીઓને વાલીયા પોલીસ મથકે સોંપ્યા છે, જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!