
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સાબરડેરી ડિરેક્ટરો વચ્ચે ઝપાઝપી બાદ વિવાદે લીધું હિંસક રૂપ : મોડાસામાં ટેકેદાર પર લોહીયાળ હુમલો, કાયદો અને વ્યવસ્થા સામે સવાલો.!!

અરવલ્લી જિલ્લામાં સાબરડેરીના ડિરેક્ટરો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મોડાસા ખાતે તાલુકા સંઘ નજીક આવેલી ડિરેક્ટરની ઓફિસમાં એક ટેકેદાર પર હુમલો થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ અજાણ્યા ઈસમોએ ઓફિસમાં ઘૂસી ટેકેદાર પર હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મોડાસાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક વિગતો અનુસાર સાબરડેરીમાં ગઈકાલે ડિરેક્ટરો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીની ઘટનાની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે થયેલી ઘટનામાં એક ડિરેક્ટરને ખુરશીમાંથી નીચે પાડી હુમલો કરાયો હતો, જેના કારણે ડિરેક્ટર મંડળમાં તણાવ ઊભો થયો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાનો ભોગ બનેલા ડિરેક્ટરની ભત્રીજીને હેરાન કરવાની ઘટનાને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને આજે ફરી હુમલાની ઘટના બનતા મામલો ગરમાયો છે.ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ શું કાર્યવાહી કરે છે તે અંગે લોકોમાં ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.





