નસવાડી તાલુકામાં સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ

મુકેશ પરમાર,, નસવાડી
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો ૧૦૦ ટકા ઉપયોગ કરે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થાય તેવા શુભ આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘સ્વીપ’ (SVEEP – Systematic Voters’ Education and Electoral Participation) પ્રવૃત્તિઓને વેગીલી બનાવવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન અને સ્વીપ નોડલ અધિકારીશ્રીના નૈતૃત્વમાં નસવાડી તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા વિશેષ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના છેવાડાના માનવી સુધી મતદાનનો સંદેશ પહોંચે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, નસવાડી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી આ રેલીમાં સખી મંડળની બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈને ગામની વિવિધ શેરીઓમાં પરિભ્રમણ કર્યું હતું. બહેનોએ “મતદાન-મહાદાન” અને “મતદાન એ લોકશાહીનો આત્મા છે” જેવા પ્રેરક સૂત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ચૂંટણીમય બનાવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં દરેક ગ્રામીણ મતદાર જાગૃત બને અને અચૂક પોતાનો કિંમતી મત આપે તે માટે પ્રોત્સાહિત કરવાનો હતો.





