CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડીમાં અંતિમ વિધિના માર્ગ પર ભંગારના દબાણનો મામલો ગરમાયો: મામલતદારે સ્થળ તપાસ કરી દુકાનદારને આપ્યું 4 દિવસનું અલ્ટીમેટમ

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી તાલુકામાં વર્ષો જૂના અંતિમવિધિ ના જાહેર રસ્તા પર થયેલા દબાણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અશ્વિન નદીના કાંઠે આવેલા છલિયા નારા બ્રિજ નીચેથી પસાર થતો અને અંતિમ વિધિ માટે અત્યંત મહત્વનો ગણાતો મુખ્ય માર્ગ ભંગારના ઢગલાઓને કારણે બંધ થઈ જતાં આજે મામલતદાર દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે નસવાડી નગરના સ્થાનિક ગ્રામજનો દ્વારા તારીખ ૧૨/૦૫/૨૦૨૬, મંગળવાર ના રોજ નસવાડી મામલતદાર સાહેબને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અશ્વિન નદીના કાંઠે સ્મશાન યાત્રા અને અંતિમ વિધિ માટે જવાના મુખ્ય માર્ગ પર ભંગારના વેપારી દ્વારા મોટા પ્રમાણમાં ભંગારના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. આ દબાણને કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આવેદનપત્ર મળતાની સાથે જ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. બીજા જ દિવસે સવારે નસવાડી મામલતદાર સાહેબ જાતે સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અધિકારીની હાજરી જોઈ ભંગારના દુકાન માલિકે પોતાની ભૂલ સ્વીકારતા મૌખિક ખાતરી આપી હતી કે,”અંતિમ વિધિ માટેનો આ રસ્તો અમે અમારા સ્વખર્ચે આગામી ચાર દિવસમાં નવો બનાવી આપીશું અને રસ્તા પર પડેલો તમામ ભંગાર હટાવી લઈશું.”દુકાન માલિકની આ રજૂઆત બાદ મામલતદાર સાહેબે તેમને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો આગામી ૪ દિવસમાં રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે અને નવો રસ્તો તૈયાર નહીં થાય, તો આગામી સોમવારે તેઓ જાતે ફરી નિરીક્ષણ કરશે અને ત્યારબાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી દુકાન માલિકની રહેશે.આ તબક્કે સ્થળ પર હાજર સ્થાનિક નાગરિકોએ પણ મામલતદાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આપેલ સમય મર્યાદામાં દબાણ દૂર નહીં થાય અને રસ્તો પૂર્વવત નહીં બને, તો તેઓ ઉગ્ર આંદોલન અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.હાલ તો તંત્રની આકરી સૂચના બાદ ભંગારના માલિક દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે, પરંતુ શું ચાર દિવસમાં ગ્રામજનોને પોતાનો રસ્તો પાછો મળશે? તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!