CHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

મુકેશ પરમાર,,, નસવાડી

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજનબદ્ધ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન મંત્રીશ્રીએ ૧૫% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) તેમજ ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ કુલ રૂ.૧૭૦૦ લાખના ૭૭૬ વિકાસ કામોની આયોજનમાં મંજૂરી આપી હતી.આ વિકાસ કામો સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અને જનહિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીના પ્રગતિ હેઠળના તેમજ અપ્રારંભિત કામોની પણ તાલુકાવાર અને નગરપાલિકા વિસ્તાર મુજબ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ અવસરે પ્રાયોજના વહીવટદારની કચેરીની ‘ન્યુક્લિયસ બજેટ યોજના’ હેઠળ હોમ સ્ટેના લાભાર્થીઓને મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલથી જિલ્લામાં પર્યટન અને સ્થાનિક રોજગારીને વેગ મળશે.આ બેઠકને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “લોકપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા કાર્યો જે સીધા નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાયેલા છે, તેને પ્રાથમિકતા આપી સત્વરે શરૂ કરવા જોઈએ. અગાઉના વર્ષના બાકી રહેલા કામોને પણ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને તાકીદ કરી છે.આ બેઠકમાં ધારાસભ્યો સર્વેશ્રી અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહિવટદાર કલેપશકુમાર શર્મા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે જે પટેલ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્સ :- જિલ્લા આયોજન મંડળની બેઠકમાં છોટાઉદેપુર તાલુકામાં ૨૫૦ લાખના ૧૨૨ કામો, કવાંટ તાલુકામાં ૨૫૦ લાખના ૧૨૬ કામો, જેતપુરપાવી તાલુકામાં ૨૦૦ લાખના ૧૧૯ કામો, બોડેલી તાલુકામાં ૨૫૦ લાખના ૯૨ કામો, નસવાડી તાલુકામાં ૨૫૦ લાખના ૧૨૨ કામો, સંખેડા તાલુકામાં ૨૫૦ લાખના ૮૧ કામો, કદવાલ તાલુકામાં ૧૫૦ લાખના ૯૯ કામો, છોટાઉદેપુર નગરપાલિકામાં ૫૦ લાખના ૮ કામો અને બોડેલી નગરપાલિકામાં ૫૦ લાખના ૬ કામો મળી કુલ રૂ.૧૭૦૦.૦૦ લાખના ૭૭૬ વિકાસ કામોમાં મંજૂર કરવામાં આવ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!