NATIONAL

BLOના કામકાજને હળવું કરવા માટે રાજ્ય સરકાર વધારાના કર્મચારીઓ તહેનાત કરે : સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ હાથ ધરેલા ચૂંટણી સુધારણામાં બૂથ લેવલ ઑફિસર્સ(BLO)ના મૃત્યુની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, હાલના BLOના કામકાજને હળવું કરવા માટે રાજ્ય સરાકોર વધારાની કર્મચારીઓ તહેનાત કરે, જેથી હાલના BLOના કામના કલાકો ઘટાડી શકાય.

મતદાર યાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (SIR) દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ (BLOs) પર વધી રહેલા કામના દબાણ અને કથિત મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે કડક વલણ અપનાવ્યું હતું. ચીફ જસ્ટિસે (CJI) સ્પષ્ટ કર્યું કે અદાલત શિયાળાની રજાઓ પહેલાં આ મામલાની સુનાવણી પૂર્ણ કરવા માંગે છે, અને આ માટે અન્ય તમામ કેસોને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે, કોર્ટે રાજ્યોને BLOs પરનો કાર્યભાર ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો જારી કર્યા હતા.

સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચ (ECI) તરફથી દલીલ કરવામાં આવી કે એક બૂથ પર વધુમાં વધુ 1200 મતદારો હોય છે અને BLOને 30 દિવસમાં 1200 ફોર્મ લેવાના હોય છે, જે “વધારાનો બોજ નથી”. આના પર CJIએ સવાલ કર્યો, “શું રોજના 10 ફોર્મ ભરવા પણ બોજ છે?” આનો વિરોધ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે BLOને દરરોજ 40 ફોર્મ ભરવા પડે છે અને બહુમાળી ઇમારતોમાં જઈને માહિતી એકત્ર કરવી પડે છે, જે ખૂબ જ મહેનતનું કામ છે. ECIના વકીલે આને ‘રાજકીય દલીલ’ ગણાવી હતી.

તમિલનાડુની એક રાજકીય પાર્ટી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દાવો કર્યો કે SIR દરમિયાન 35-40 BLOના મોત થયા છે અને લક્ષ્ય પૂરું ન કરનાર પર કેસ કરવાની ધમકીઓ અપાઈ રહી છે. તેમણે કહ્યું, “આ લોકો શિક્ષકો અને આંગણવાડી કાર્યકર્તાઓ છે, શું તેમની સાથે આવો વ્યવહાર કરી શકાય?” તેમણે કોર્ટને જણાવ્યું કે માત્ર યુપીમાં જ 50 FIR નોંધાઈ છે અને BLOને 24-48 કલાકમાં કામ પૂરું કરવાની નોટિસ મોકલવામાં આવી રહી છે.

અરજદારોએ એમ પણ કહ્યું કે BLO સવારે શાળામાં ભણાવ્યા પછી રાત્રે 3 વાગ્યા સુધી નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં દસ્તાવેજો અપલોડ કરી રહ્યા છે. એક કિસ્સામાં તો, એક BLOને પોતાના લગ્ન માટે રજા ન મળતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.

રાજ્ય સરકારો તાત્કાલિક વધારાના કર્મચારીઓ તૈનાત કરે જેથી કાર્યભાર સમાન રીતે વહેંચી શકાય.

જો કોઈ કર્મચારી સ્વાસ્થ્ય, ગર્ભાવસ્થા, પારિવારિક કારણો કે અન્ય અંગત પરિસ્થિતિઓને કારણે SIR ડ્યુટી કરી શકે તેમ ન હોય, તો તેની માંગ પર કેસ-ટુ-કેસ આધારે વિચારણા કરવામાં આવે.

BLOના મોતના કિસ્સામાં વળતર માટે, પીડિત પરિવારો વ્યક્તિગત અરજી દ્વારા રાહત માંગી શકે છે.

કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે યુપીમાં ચૂંટણી 2027માં છે, તો માત્ર બે મહિનામાં SIR પૂર્ણ કરવાની આટલી ઉતાવળ કેમ છે. જેના જવાબમાં ECIએ કહ્યું કે રાજ્ય પોલીસ પર તેમનું નિયંત્રણ નથી, તેથી નોટિસ જરૂરી છે. જોકે, કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે રાજ્ય સરકારો વધુ સ્ટાફ આપીને આ દબાણ ઘટાડી શકે છે.

Back to top button
error: Content is protected !!