
નર્મદામાં ઈ-રિક્ષા યોજના ને લઈને માનવ અધિકાર સુરક્ષા પરિષદે
કરી રજૂઆત
તાહિર મેમણ – ડેડીયાપાડા – 03/06/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના ભારે વિવાદમાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી સેન્ટ્રલ કમિટીના પ્રેસિડેન્ટ સર્જન એસ.વસાવાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), પ્રાંત અધિકારી તેમજ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અનેક ગામોમાં લાખો રૂપિયાના બિલો અને ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવા છતાં ઈ-રિક્ષાનો વાસ્તવિક ઉપયોગ થતો નથી. કેટલાક સ્થળોએ તો ઈ -રિક્ષા એક દિવસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.
આક્ષેપો મુજબ યોજનામાં કમિશનખોરી, ખોટા બિલો, ભ્રષ્ટાચાર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ્ય વિકાસ અને સ્વચ્છતા માટે આવેલી યોજના કેટલાક લોકો માટે “કમાણીનું સાધન” બની ગઈ હોવાના સવાલો ઉઠી રહ્યા છે. સર્જન વસાવાએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે. સાથે જ સંકળાયેલા તમામ જવાબદાર અધિકારીઓ, સપ્લાયરો અને તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે તેના પર લોકોની નજર ટકેલી છે.



