JUNAGADHJUNAGADH CITY / TALUKO

૧૫ કરોડના ખર્ચ નિર્મિત થનાર આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત કરાયું

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિસરમાં પાંચ એકરમાં નિર્માણ પામશે સંશોધન કેન્દ્ર : ૩ એકર વધુ જમીન ફાળવાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના વન પર્યાવરણ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રૂ.૧૫ કરોડના ખર્ચ નિર્મિત થનાર આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કર્યું હતું.
જૂનાગઢના યુનિવર્સિટી રોડ પર પોલિટેકનિક કોલેજની સામે ખડિયા ખાતે આકાર પામનાર આ સંશોધન કેન્દ્રમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન-કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે. ઉપરાંત કંઠોપકંઠ પરંપરાથી શ્રી નરસિંહ મહેતાના જળવાયેલા પદોનું ડિજીટલાઈઝેશન કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની શુભકામના પાઠવતા જણાવ્યું કે, આદિકવિ શ્રી નરસિંહ મહેતાની રચનાઓનો ગુજરાતી ભાષા સાહિત્ય પર પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીને પ્રિય એવા ‘વૈષ્ણવ જન’ ભજન વસુધૈવ કુટુંબકમની ભાવનાને અને એક સારા માનવીના ગુણો દર્શાવે છે, આ ભજન ગાંધીજીના જીવનનું પણ પર્યાય બની ચૂક્યું હતું.
આપણા સાહિત્ય અને લોકસાહિત્ય પરંપરાઓનો વારસો ખૂબ ઉજળો રહ્યો છે, નરસિંહથી ન્હાનાલાલ અને નર્મદથી નરેન્દ્ર મોદી સુધી વિસ્તર્યો છે. ત્યારે આ સંશોધન કેન્દ્ર આપણા વારસાને વધુ જીવંત કરીને સમાજ સુધી પ્રસરાવશે.
આદ્ય સર્જક નરસિંહ મહેતાએ સવા લાખ જેટલા પદોની રચના કરી છે, ત્યારે તેના પર પૂરતું સંશોધન અને તેમની રચના-સાહિત્યનું સંરક્ષણ થાય તે જરૂરી છે. ઉપરાંત આ સાહિત્યના ઉચ્ચ સ્તરના પદોનું અંગ્રેજી સહિત દેશની અન્ય ભાષામાં અનુવાદ થાય તે પણ ખૂબ આવશ્યક છે.
આ સંશોધન કેન્દ્ર રૂ. ૯ કરોડના ખર્ચે તૈયાર થવાનું હતું પરંતુ નરસિંહ મહેતાનુ જીવન કવન અને સાહિત્ય જન જન સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આધુનિક અને ટેકનોલોજી સભર એક મ્યુઝિયમ પણ તૈયાર થાય તે માટે વધુ રૂ.૬ કરોડ ફાળવ્યા છે.
મંત્રીએ સાંસ્કૃતિક વિભાગ હેઠળ રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર પર, ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને જીવન પર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડવાનું દેશ માટે બલિદાનને જીવંત રાખતું અને વડનગર ખાતે પણ એક મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત સાહિત્ય અકાદમીનું ગાંધીનગર ખાતે નવું ભવન પણ નિર્માણ પામી રહ્યું છે અને સાહિત્યના પ્રચાર પ્રસાર માટે સાહિત્ય અકાદમી દ્વારા કરાતા કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે અગ્રેસર રહે તેવી નેમ રહી છે. આમ, સાંસ્કૃતિક અને સાહિત્ય પ્રવૃત્તિમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત વધુ સક્રિય છે.તેમ અંતમાં જણાવ્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રારંભમાં સંસ્કૃતમાં સંબોધન કરતા કહ્યું કે, વેદ ઉપનિષદના જ્ઞાનની છણાવટ કરતા નરસિંહ મહેતાના પદો પર એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સંશોધન કેન્દ્ર નિર્મિત થવાથી સાહિત્ય પ્રસારને એક નવી ઉંચાઈ મળશે. તેમણે રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક પુનઃ જાગરણનો પણ એક નવો યુગ શરૂ થયો છે. તેમ પણ જણાવ્યું હતું.
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણ અને રામલલાના બિરાજમાન થવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, આદિકવિ નરસિંહ મહેતાનું જીવન અને પદો વિશ્વાસ અને ભરોષો કેળવવા માટે પ્રેરણા આપે છે. નરસિંહ મહેતાને ભક્તિ અને કૃષ્ણ પ્રેમ પર પૂરો ભરોસો હતો. જેથી ભગવાને શામળશા શેઠ બની હુંડી સ્વીકારી હતી. તેમ આજે ખાસ કરીને યુવા ભાઈ -બહેનો જે કાર્ય કરી રહ્યા છે, તેમાં સંપૂર્ણ ભરોષો હોવો જોઈએ. આ સાથે તેમણે આ કેન્દ્ર બનવાની જાહેરાત થવાથી ખાતમુહૂર્ત પ્રસંગનો સાક્ષી રહેવાનો આનંદ વ્યક્ત કરતા આ સંશોધન કેન્દ્ર માટે પૂરતુ અનુદાન ફાળવવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે, એક સર્જક માટે રૂપિયા.૧૫ કરોડનું અનુદાન ફાળવવું એક ગૌરવપ્રથ ઘટના છે. આ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સાહિત્ય અને સંશોધનની પ્રવૃત્તિઓ થશે. સાથો સાથ ધર્મ સંસ્કૃતિ અને સાહિત્યનો વ્યાપ સમાજમાં વધુ વિસ્તરશે. તેમણે આ સંશોધન કેન્દ્ર માટે પૂર્વ નિર્ધારિત રીતે ૨ એકર જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ સંશોધન કેન્દ્રને નવી ઉંચાઈ મળે તે માટે વધુ ૩ એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમ જણાવતા કહ્યું કે, રાજ્ય સરકારે વન્ય પ્રાણીઓ પર સંશોધન માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડી માટે રૂ.૯ કરોડ ફાળવવામાં આવી રહ્યા છે. આમ, શિક્ષણ સંશોધન અને સાહિત્યને વેગ નવો વેગ મળશે.
આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે શાબ્દિક સ્વાગત કરતા નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર મારફત થનાર પ્રવૃત્તિઓ અને ઉભી કરવામાં આવનાર માળખાગત સુવિધાઓની જાણકારી આપી હતી. આ કેન્દ્ર જૂનાગઢ અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર બની રહેશે. તેમ જણાવ્યું હતું. અંતમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના વડા ભાવસિંહ ડોડીયાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા શહેર પ્રમુખ પુનિત શર્મા સર્વ યોગી પઢીયાર, જી.પી. કાઠી સહિતના અગ્રણીઓ ઉપરાંત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!