Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકમેળામાં વ્યસનમુક્તિનો શુભ સંદેશ આપતાં પોસ્ટર્સ
તા.૧૪/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની શાન એવા “શૌર્યનું સિંદૂર લોકમેળો-૨૦૨૫”માં આ વર્ષે અનેક અવનવી બાબતો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ભાતીગળ ગામઠી પ્રવેશદ્વાર હોય કે ડ્રોનનો ઉપયોગ, હસ્તકલા હાટમાં અવનવી કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ હોય કે વ્યસનમુક્તિનો સંદેશો આપતાં પોસ્ટર્સ…આ મેળામાં રાજકોટવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભાં કરવામાં આવ્યા છે.
લોકમેળાનાં વોચટાવર્સ પર ઠેર-ઠેર રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યસનમુક્તિનાં સંદેશા આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે, જેમાં “વ્યસન હાનિકારક છે”, “ઘરે ઘરે જાગૃતતા ફેલાવી રાજકોટ શહેરને વ્યસનમુક્ત બનાવીએ”, “નશામુક્તિ તેમજ ડ્રગ્સના ગુનાની માહિતી આપવા ૧૯૦૮ પર સંપર્ક કરો”, “ડ્રગ્સ તથા નશીલા પદાર્થોનું સેવન ફક્ત તમને જ નહીં તમારા પરિવારને પણ બરબાદ કરે છે”, “નશીલા પદાર્થ સામે મજબૂર નહીં મજબૂત બનો” સહિતનાં સંદેશાઓ થકી નાગરિકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકમેળામાં રાજકોટ તથા આસપાસનાં અનેક ગામનાં લોકો મહાલવા આવતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તથા સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ, વોચ ટાવર માટે અલાયદા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.