
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં હજારો આદિવાસી ભાઈ-બહેનોની મહારેલીથી ગુંજી ઉઠ્યું હતું વઘઈ નગરના વેપારી મહાજનો પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યો હતો. વિશ્વભરમાં તા. ૯ ઓગસ્ટના રોજ ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આદિવાસી સંસ્કૃતિ, એકતા અને અસ્મિતાનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ, આંબાપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વઘઇ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત વઘઇના ગાંધીબાગ ખાતે પ્રકૃતિ પૂજા કર્યા બાદ તાલુકા સેવા સદન સુધી વિશાળ આદિવાસી મહારેલી યોજાઈ હતી. પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને આદિવાસી સંસ્કૃતિની આગવી ઝલક સાથે નીકળેલી રેલીમાં ઢોલ-નગારાના તાલ, ડીજેના સંગીત તેમજ પરંપરાગત નૃત્ય-ગીતોથી સમગ્ર વઘઇ નગર ગુંજી ઉઠ્યું હતું.
વેપારી મહાજને પુષ્પવર્ષા કરી મહારેલીનું ભવ્ય સ્વાગત કર્યું
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી આ ભવ્ય મહારેલીનું વઘઇ વેપારી મહાજન દ્વારા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી વઘઇના મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે વેપારીઓ દ્વારા રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ-બહેનોનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેપારી મહાજનના આ સ્નેહસભર અભિવાદનથી રેલીમાં જોડાયેલા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો જોડાયા હતા. હાથમાં આદિવાસી સમાજના વિવિધ ધ્વજ અને બેનરો સાથે લોકો આદિવાસી એકતા, અસ્મિતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનો સંદેશ આપી રહ્યા હતા. રેલીના માર્ગ પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના બંધારણીય હક્કો, જળ-જંગલ-જમીનના અધિકારો, શિક્ષણ, રોજગાર તથા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આગેવાનોએ યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાગત વારસાને જાળવી રાખવા અપીલ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના રિતેશ પટેલ, વિજય થોરાટ, તાનાજી પવાર, જીજ્ઞેશ પટેલ સહિતના આગેવાનો તેમજ ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો, કાર્યકરો, યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વઘઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. ચાવડા, પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા રેલીના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પોલીસની સુચારુ વ્યવસ્થાના કારણે સમગ્ર રેલી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી.
હજારો લોકોની ઉપસ્થિતિ, ઢોલ-નગારાના તાલ, પરંપરાગત નૃત્ય-સંગીત અને વેપારી મહાજન દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષા સાથે વઘઇમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એકતા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિના ભવ્ય પર્વમાં પરિવર્તિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ આદિવાસી સમાજની એકતા, અસ્મિતા અને પોતાની આગવી ઓળખ પ્રત્યેના ગૌરવનું પ્રતીક બની રહ્યો હતો.





