ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  મહુડી ગામના પરિવાર સાથે લગ્ન કરાવવાના બહાને રૂ.12.80 લાખની છેતરપિંડી, પરિવારે 200 લોકોનો જમણવાર બનાવ્યો, બ્રાહ્મણ લગ્નનો પડો લઈ ન પહોંચતા ફૂટ્યો ભાંડો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  મહુડી ગામના પરિવાર સાથે લગ્ન કરાવવાના બહાને રૂ.12.80 લાખની છેતરપિંડી, પરિવારે 200 લોકોનો જમણવાર બનાવ્યો, બ્રાહ્મણ લગ્નનો પડો લઈ ન પહોંચતા ફૂટ્યો ભાંડો

ફરિયાદી લાલાભાઈ જયમલભાઈ દેસાઈએ કપડવંજ તાલુકાના સાલોડ ગામના ગોવિંદભાઈ શંકરભાઈ રબારી અને દિલીપભાઈ પુનમભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી

ફરિયાદ મુજબ, લાલાભાઈના નાના ભાઈ વિહાભાઈ માટે કન્યાની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આરોપી ગોવિંદભાઈની બહેન ભીખીબેન સાથે લગ્ન કરાવી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. લગ્નના વહેવાર પેટે રૂ.17 લાખ અને ત્રણ તોલા સોનાના દાગીના આપવાની વાત થઈ હતી. બાદમાં રૂ.11.30 લાખ રોકડા અને ત્રણ તોલા સોનાના દાગીના આપવાનું નક્કી થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તા.20 જાન્યુઆરી 2026ના રોજ ગોવિંદભાઈ સહિતના લોકોની હાજરીમાં રૂ.7.70 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવિંદભાઈના કહેવાથી અન્ય વ્યક્તિના મોબાઇલ નંબર પર અલગ-અલગ તારીખે ગૂગલ પે અને ફોન પે મારફતે કુલ રૂ.3.60 લાખ ટ્રાન્સફર કરાયા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત તા. 29 માર્ચે આશરે ત્રણ તોલા વજનનું રૂ.1.50 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, આરોપીએ તા.30 માર્ચે બ્રાહ્મણ લગ્નનો પડો લઈને તેમના ઘરે આવવાનું જણાવ્યું હતું. પરિવાર દ્વારા સગા-સંબંધીઓને બોલાવી આશરે 200 લોકોના જમણવારની તૈયારી પણ કરવામાં આવી હતી. જોકે બપોર સુધી કોઈ ન આવતા પરિવારજનોએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર ન મળ્યો હતો.
ત્યારબાદ પરિવારજનો સાલોડ ગામે આરોપીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પણ યોગ્ય જવાબ ન મળતા અને લગ્ન પણ ન કરાવી આપતાં તેમજ આપેલી રકમ અને સોનાના દાગીના પરત ન કરતાં છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદીએ ગોવિંદભાઈ શંકરભાઈ રબારી અને દિલીપભાઈ પુનમભાઈ સોલંકી સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે સાથે ટીંટોઈ પોલીસે આરોપી ગોવિંદભાઈ શંકરભાઈ રબારી ની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે

Back to top button
error: Content is protected !!