
નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં વરસાદી સીઝન દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ તેમની સલામતી અને સાવચેતી સુનિશ્ચિત થાય તે હેતુસર આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન નાયબ કલેક્ટર વિધુ ખૈતાને પી.પી.ટી. ના માધ્યમથી જિલ્લામાં હાથ ધરાનારી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ખાસ કરીને ડ્રેનેજ લાઈન અને કાંસોની સાફ-સફાઈની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, કાંસ-ખાડીઓની સફાઈ, રસ્તાઓના પેચવર્ક, બોટની ઉપલબ્ધિ તથા તેનું વેરીફીકેશન, બચાવ કામગીરી માટે મજૂરો, ટ્રોલી અને જરૂરી સાધનોની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.



આ ઉપરાંત ભયજનક બિલ્ડિંગો અને ઇમારતો અંગે તકેદારીના પગલાં લેવા, પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી, ખુલ્લા અથવા તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માત ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. ડેમની સપાટીની માહિતી નિયમિત રીતે જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવા, નદીઓ પાસે ચેતવણીના સાઇન બોર્ડ લગાવવા તેમજ હરવા-ફરવાના અને પ્રવાસન સ્થળોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે લોકોના અવરજવર પર નિયંત્રણ અને પોલીસ બંદોબસ્ત અંગે પણ આગોતરા આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડે તાલીમબદ્ધ માનવબળ, રેસ્ક્યુ સાધનોની ચકાસણી, તરવૈયાઓ અને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો અને ગામોની ઓળખ કરી આગોતરા આયોજન કરવા સૂચના આપી હતી. સાથે જ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા તેમજ ભારે વરસાદ દરમિયાન સ્થાનિકોને આશ્રયસ્થાને ખસેડવાની જરૂર પડે તો ત્યાં વીજળી, પાણી સહિતની સુવિધાઓ નજીકની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.



