
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામ ખાતે પશુપાલકોને ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓની યોગ્ય સંભાળ અને ઉત્પાદકતા જાળવવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય દ્વારા આગાખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૧ પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડો. એસ. બી. કાપડીએ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો, કામગીરી અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ડો. મહેશકુમાર પી. માઢવાતરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓના રહેઠાણનું યોગ્ય વ્યવસ્થાપન, ગરમીના પ્રભાવથી બચાવ અને દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ડો. ઉત્સવભાઈ એસ. સુરતીએ પશુઓના સંતુલિત અને સંપૂર્ણ પોષણ અંગે માહિતી આપતા પશુઆહારમાં જરૂરી પોષક તત્ત્વો, ખનિજોની જરૂરિયાત તથા યોગ્ય ખોરાક વ્યવસ્થાપન વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તાલીમ દરમિયાન ઉપસ્થિત પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ પોતાના પશુપાલન વ્યવસાયને વધુ અસરકારક અને લાભદાયી બનાવી શકે.
તાલીમના અંતિમ સત્રમાં નિષ્ણાતોએ પશુપાલકોના પ્રશ્નો, મૂંઝવણો અને સ્થાનિક સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી તેના વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પશુપાલન વિષયક સાહિત્ય કિટ, કેપ તેમજ પશુઓના પોષણ માટે અત્યંત ઉપયોગી મિનરલ મિશ્રણનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેને પશુપાલકોએ આવકાર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ડો. એમ. એમ. ઇસ્લામના નેતૃત્વમાં યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલયના આચાર્ય ડો. વી. એસ. ડબાસ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જે. એસ. પટેલનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં વૈજ્ઞાનિક પશુપાલન અંગે જાગૃતિ લાવવા અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા સતત આવી તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.




