નવસારીના દરિયામાં ૯ માછીમારો ફસાયા, જિલ્લા તંત્ર અને કોસ્ટગાર્ડેની સતર્કતાએ તમામને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એન્જિન બંધ થતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું : જિલ્લા તંત્રની સતર્કતા અને કોસ્ટગાર્ડની ત્વરિત કામગીરીથી નવ જીવન બચ્યાં
નવસારી, ૧૮ ઓગસ્ટ: જલાલપોર તાલુકાના કૃષ્ણપુર વિસ્તારથી વલસાડ તરફ માછીમારી માટે નીકળેલી ‘જયમાલા’ નામની બોટમાં એન્જિનમાં ખામી સર્જાતા દરિયામાં ફસાયેલા નવ માછીમારોને નવસારી જિલ્લા તંત્ર અને કોસ્ટગાર્ડની સંકલિત કામગીરીથી સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ તંત્રની ત્વરિત કામગીરીથી અંતે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, સચિન ગામના નવ લોકો આજે વહેલી સવારે આશરે ૫ વાગ્યાના અરસામાં ‘જયમાલા’ બોટમાં વલસાડ તરફ જવા રવાના થયા હતા. બોટના માલિક તરીકે દીપક ટંડેલનું નામ સામે આવ્યું છે અને બોટ મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે.
બોટમાં સવાર દિનેશભાઈ રાઠોડ પાસેથી મળતી માહિતી અનુસાર, ધોલાઈ બંદરથી આશરે ૨.૫ નોટિકલ માઈલ દૂર પહોંચતા બોટના એન્જિનમાં અચાનક ખામી સર્જાઈ હતી અને એન્જિન બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ધીમે ધીમે બોટમાં પાણી ભરાવા લાગતા નવેય માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા.
બોટ દરિયામાં ફસાઈ જતાં અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા માછીમારોએ મદદ માટે વિવિધ સ્થળોએ ફોન કરી ઘટનાની જાણ કરી હતી. રેસ્ક્યૂ કોલ મળતાં જ નવસારી જિલ્લા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક રેસ્ક્યૂ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં એનડીઆરએફની ટીમને ધોલાઈ બંદર ખાતે મોકલવામાં આવી હતી. જોકે, દરિયામાં ફસાયેલા માછીમારોની સ્થિતિને ધ્યાને લઈ હવાઈ રેસ્ક્યૂની જરૂરિયાત જણાતા કલેક્ટરે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાથે તાત્કાલિક સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ મેળવવા માટે કાર્યવાહી કરી હતી.




