પંચમહાલના ગોધરા ખાતે બેંક ઑફ બરોડા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
સ્વચ્છતા રેલીના માધ્યમથી નાગરિકોને સ્વચ્છતા અને “પ્લાસ્ટિક મુક્ત ભારત” અંગે જાગૃત કરાયા
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાની દિશામાં ઉદ્દેશપૂર્વક પગલાંરૂપે પંચમહાલ જિલ્લામાં બેંક ઑફ બરોડા દ્વારા ગોધરા નગરપાલિકા સાથે સહયોગમાં રહીને ગોધરાના રામસાગર તળાવ વિસ્તારમાં સફાઇ અભિયાન યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત બેંકની પ્રાદેશિક કચેરી, કલિન્દીથી રામસાગર તળાવ સુધી કાઢવામાં આવેલી સ્વચ્છતા રેલીથી કરવામાં આવી હતી, જે ગોધરા શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ હતી. રેલીના માધ્યમથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાની સાથે “પ્લાસ્ટિક મુક્ત ભારત” માટે અપીલ કરવામાં આવી હતી. શહેરજનોમાં આ અભિયાન અંગે હર્ષ અને સહયોગી ભાવના જોવા મળી હતી.
વિશેષરૂપે જણાવવાનું કે બેંક ઑફ બરોડાની સમગ્ર જિલ્લામાં આવેલી કુલ ૪૫ શાખાઓ પણ તા.૨ થી તા.૭ જૂન ૨૦૨૫ દરમિયાન સમાન પ્રકારના સ્વચ્છતા અભિયાન યોજાનાર છે. આ અભિયાનનો હેતુ માત્ર સફાઇ નહીં પરંતુ પર્યાવરણ અંગે દીર્ઘકાલીન જાગૃતિ લાવવાનો છે. બેંક ઑફ બરોડા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ અંતર્ગત, વિશ્વ પર્યાવરણ દિવસ (૫ જૂન) નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરાયું છે.
અંતે બેંક દ્વારા નાગરિકોને આવા અભિયાનોમાં સક્રિય ભાગ લઇ, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં બેંકના ક્ષેત્રીય પ્રબંધકશ્રી કૌશલકિશોર પાંડે, એલ.ડી.એમ શ્રી એસ.કે.રાવ તેમજ અન્ય બેંક અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.