TANKARA:ટંકારાના મિતાણા નજીક હિટ એન્ડ રન: રોડ સાઈડમાં ઉભેલા ખેડૂતનું કારની ટક્કરે કમકમાટીભર્યું મોત

TANKARA:ટંકારાના મિતાણા નજીક હિટ એન્ડ રન: રોડ સાઈડમાં ઉભેલા ખેડૂતનું કારની ટક્કરે કમકમાટીભર્યું મોત
મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પોતાના ખેતરની દેખરેખ રાખવા માટે રોડની સાઈડમાં ઉભેલા એક ૪૩ વર્ષીય ખેડૂતને પૂરઝડપે આવી રહેલી અર્ટિગા કારે જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં ખેડૂતનું કરુણ મોત નીપજ્યું છે. ઘટના અંગે ટંકારા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના પ્રભુનગર (મિતાણા) ગામે રહેતા ૪૩ વર્ષીય જગદીશભાઈ જાદવજીભાઈ ભાગીયા ગત તારીખ ૨૫/૦૬ના રોજ મોડી રાત્રે મોરબી-રાજકોટ હાઈવે નજીક આવેલા પોતાના ખેતરે દેખરેખ રાખવા ગયા હતા. તેઓ હાઈવેની સાઈડમાં ઉભા રહીને હાથમાં રહેલી બેટરીના અજવાળા વડે ખેતરમાં તપાસ કરી રહ્યા હતા.
તે દરમિયાન મોરબી તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક અર્ટિગા કાર (નંબર: GJ-10-DJ-6432) ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડમાં ઉભેલા જગદીશભાઈને જોરદાર હડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે જગદીશભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ બનાવ અંગે મૃતકના ૬૬ વર્ષીય પિતા જાદવજીભાઈ મુળજીભાઈ ભાગીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અર્ટિગા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમ (MV Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી, ફરાર કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


