GUJARAT

HALVAD:હળવદ: ભવાની નગર ઢોરા વિસ્તારમાં બે શખ્સો વચ્ચેની બોલાચાલીમાં વચગાળો કરવા ગયેલા યુવક પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

HALVAD:હળવદ: ભવાની નગર ઢોરા વિસ્તારમાં બે શખ્સો વચ્ચેની બોલાચાલીમાં વચગાળો કરવા ગયેલા યુવક પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

 

હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં બે વ્યક્તિઓ વચ્ચે થઈ રહેલી માથાકૂટમાં સમાધાન કરાવી સમજાવવા ગયેલા એક નિર્દોષ યુવક પર પિતા-પુત્રએ ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલા અંગે ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદના ભવાની નગર ઢોરો ત્રણ માળિયા નજીક રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા (ઉં.વ. ૩૮)એ તે જ વિસ્તારમાં રહેતા આરોપી મેહુલભાઈ ઉર્ફે મેહલો દિનેશભાઇ તથા તેના પિતા દિનેશભાઇ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ઘટનાની વિગત એવી છે કે, આરોપી મેહુલભાઈ અને તેના અન્ય એક સાથી વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ રહી હતી. આ જોઈને રાકેશભાઈ ત્યાં વચગાળો કરી બંનેને સમજાવવા માટે ગયા હતા. જો કે, આ વાતનું મનદુઃખ રાખીને બંને આરોપીઓ (પિતા-પુત્ર) રાકેશભાઈના ઘર પાસે ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.વાત આટલેથી ન અટકતા, આરોપી મેહુલભાઈએ તેના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે રાકેશભાઈના માથા અને કપાળના ભાગે જોરદાર ફટકો મારી દીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ સાથે જ તેના પિતા દિનેશભાઈ પણ હાથમાં ધોકો લઈને ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ રાકેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ હિંસક હુમલા બાદ ઈજાગ્રસ્ત રાકેશભાઈએ હળવદ પોલીસ સ્ટેશને પહોંચી બંને આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!