GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ માટે રાજપીપલા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ માટે રાજપીપલા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

 

રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

મીડિયાકર્મીઓના આરોગ્યની ચિંતા કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર, “ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-ગુજરાત” અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતેથી મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાયો હતો. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આ કેમ્પ વિસ્તારવામાં આવ્યો છે. જેના અનુસંધાને “ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા” ના થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને માહિતી વિભાગના અધિકારી, કર્મીઓએ જુની જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે સવારે ૮ થી ૧૨ દરમિયાન યોજાયેલા નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લઈને પોતાના પ્રાથમિક આરોગ્ય તપાસ, ઇસીજી, એક્સ રે, બ્લડ સહિતની આરોગ્યની તપાસ ભૂખ્યા પેટે કરાવી હતી.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારે જણાવ્યું કે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે. પત્રકારની તંદુરસ્તી સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરે છે. સરકારની પ્રજાલક્ષી ઝુંબેશો, કાર્યક્રમો અને કલ્યાણકારી યોજનાઓનો લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી નર્મદા અને જિલ્લાના મીડિયાકર્મીઓની કામગીરી પ્રશંસનીય છે. રોજબરોજની વ્યસ્તતા વચ્ચે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાના ઉદ્દેશ્ય સાથે સરકારે પણ આ બાબતને મહત્વ આપીને આ આયોજન કર્યુ હતુ. જેમાં પત્રકાર મિત્રો અને માહિતીના સ્ટાફમિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈને આરોગ્યની તપાસ કરાવી હતી.

આ તકે રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગનો આભાર વ્યક્ત કરતાં સીનીયર પત્રકાર નરેન્દ્રભાઈ પેપરવાલાએ જણાવ્યું કે, લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અને સમાજને જાગૃત કરવા માટે એક પત્રકાર તરીકે અમારી જવાબદારીઓ વધી જાય છે, ત્યારે આજે પત્રકારોની ચિંતા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન પત્રકારોને નિશ્ચિંત થઈને વધુને વધુ ઉર્જાથી પત્રકારત્વની કામગીરી કરવા પ્રેરિત કરશે.

સમાજને જાગૃત અવસ્થામાં રાખવા માટે પત્રકારો સતત અને સક્રીય રીતે ફિલ્ડમાં ફરતા હોય છે, ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈને આજે યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મીઓ અને પત્રકારોનો ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.

અગાઉ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે, પત્રકારત્વનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે, પત્રકાર તંદુરસ્ત હશે તો તેઓ સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરી શકે છે. નોંધનીય છે કે, નર્મદા જિલ્લાના મીડિયાકર્મીઓ તથા માહિતી વિભાગ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી, ઝુંબેશો, કાર્યક્રમોને છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચાડે છે, ત્યારે મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય સુરક્ષાની ચિંતા કરીને આજના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનની પહેલ સરાહનીય છે.

 

નર્મદા જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરપર્સન તથા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ આ પહેલને બિરદાવીને સૌ મીડિયાકર્મીઓને હેલ્થ ચેકઅપ કરાવવા અનુરોધ કર્યો હતો અને યોજાયેલા કેમ્પની સરાહના કરી હતી. આજે લોહીની તપાસ માટે વિવિધ સેમ્પલો કલેક્શન કર્યા હતા. સાથે ઇસીજી, એક્સ રે સહિતની તપાસ કરવામાં આવી હતી. જુની સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!