AHAVADANGGUJARAT

સાપુતારામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ફંગોળાઈને પડેલા યુવકનો સ્થાનિક વ્યક્તિએ જીવ બચાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના લોકપ્રિય પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે, એક સ્થાનિક યુવાનની સમયસૂચકતા અને માનવતાના કારણે ઇજાગ્રસ્ત યુવાનનો જીવ બચી શક્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, સાપુતારાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવા સ્ટેપ ગાર્ડન નજીક બાઇક.ન. જી.જે.21.બી.એમ.3384 અને કાર.ન.જી.જે.05.જે.યુ.7483 વચ્ચે જોરદાર ટક્કર થતાં આસપાસના વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાઇક ચાલક ઝડપી ગતિએ આવી રહેલી કાર સાથે ભટકાતા ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ઉછળીને રસ્તાના બીજા ભાગે પટકાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાની ગંભીરતા જોતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ સમયે, સ્થાનિક યુવાન મનિષભાઈ રાવલજીએ પ્રશંસનીય માનવતા દાખવી હતી. તેમણે ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ગંભીર સ્થિતિ જોઈને સમય વેડફ્યા વિના, તેને પોતાની બાઇક પર બેસાડી તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાપુતારા ખાતે ખસેડ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ, સમયસર હોસ્પિટલ પહોંચાડી સારવાર શરૂ કરી દેવાતાં બાઇક ચાલકનો પ્રાણ બચી ગયો હતો.મનિષભાઈની સતર્કતા અને તાત્કાલિક મદદને કારણે એક યુવાનનો જીવ બચી ગયો, જેણે સ્થાનિક લોકોમાં તેમની પ્રશંસા કરાવી છે.ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં સામેલ કાર ‘એડવેન્ચર’ તરફથી ‘સર્કલ’ તરફ જઈ રહી હતી અને બાઇક સવાર સાપુતારા ‘ટેબલ પોઈન્ટ’ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવતા આ અકસ્માત થયો હતો.સ્થાનિક લોકોનું કહેવું છે કે સાપુતારામાં પ્રવાસીઓની વધતી અવરજવરને કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને તેથી ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.વારંવાર સર્જાતા આવા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા માર્ગ સુરક્ષા અંગે વધુ સતર્કતા રાખવાની અને કડક પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે..

Back to top button
error: Content is protected !!