GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી સિવિલ હોસ્પિટલમાં લેડી નર્સ પર શખ્સે કર્યો હુમલો: ગાલ પર લાફા ઝીંકી ફરજમાં રુકાવટ કરી, આરોપીની અટકાયત

તા.18/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સિક્યોરિટી અને કર્મચારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઇમરજન્સી વિભાગમાં ફરજ પર તૈનાત એક મહિલા નર્સ પર શખ્સે હુમલો કરી, ગાલ પર લાફા ઝીંકી દેતાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોર શખ્સની અટકાયત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, લીંબડીની રાધે ગોવિંદ સોસાયટીમાં રહેતા અને મૂળ અમદાવાદના વતની 26 વર્ષીય ઉન્નતીબેન કનુભાઈ સોલંકી લીંબડી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે. ગત તારીખ 14 ઓગસ્ટના રોજ તેઓ મોડી રાત્રે ઇમરજન્સી વિભાગમાં પોતાની ફરજ પર હાજર હતા. તે દરમિયાન રાત્રે આશરે 1:30 કલાકે એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો. તેણે ઇમરજન્સી વિભાગમાં આવીને “ડોક્ટર ક્યાં છે?” તેમ કહીને અચાનક આવેશમાં આવી નર્સ ઉન્નતીબેનને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલા ઉન્નતીબેને બૂમાબૂમ કરી અન્ય સ્ટાફને ઘટનાસ્થળે બોલાવી લીધો હતો. સ્ટાફ એકત્ર થઈ જતાં તુરંત જ લીંબડી પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને નર્સ પર હુમલો કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સનું નામ દિવ્યરાજસિંહ ગજેન્દ્રસિંહ રાણા રહે, ભલગામડા હોવાનું ખુલ્યું હતું. આ મામલે પીડિત નર્સ ઉન્નતીબેન સોલંકીની ફરિયાદના આધારે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના અંગે એએસઆઈ પી.જી. ઝાલા આગળની કાનૂની તપાસ ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!