કાલોલ ના વેજલપુર ની કન્યા શાળા ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૯/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પંચમહાલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વેજલપુર ખાતેની શ્રીમતી એસ.એન.દવે કન્યા શાળા ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.ભારત સરકાર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન લોન્ચિંગ કાર્યક્રમનું શ્રીમતી એસ.એન.દવે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.આ દરમિયાન બાળ અધિકારો, બાળ વિવાહથી થતી માઠી અસરો ,દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનો વિકાસ કરી શકે તે વિશે ૪૦૦થી વધુ સંખ્યામાં હાજર વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા સૌએ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનમાં સહભાગી થવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ કાર્યક્રમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રોજેક્ટ મેનેજર, શ્રીમતી એસ.એન.દવે કન્યા શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે અભિયાન અંતર્ગત જિલ્લાની ૩૧૩ શાળાના કુલ ૧૦૧૯૧૮ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. તેમજ જિલ્લાના ગોધરા અને કાલોલ તાલુકાના ૫૦ ગામોમાં આગેવાનો અને ગ્રામજનો દ્વારા કેન્ડલ રેલી યોજી બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લઈ ભારતને બાળ વિવાહ મુક્ત બનાવવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.