ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો

આણંદ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો


આણંદ, શનિવાર: આણંદની ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ વરદહસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઈરમાના સંસ્થાપક ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાન અને સહકારના વિઝનને યાદ કરતાં જણાવ્યું હતુ કે, આ મહાનુભાવોનો ધ્યેય ગ્રામીણ ખેડૂતો અને ગામડાંના લોકોને શહેરી સુખ-સુવિધાઓ અને વિકાસના માર્ગે આગળ લાવવાનો હતો, જે ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

રાજ્યપાલશ્રીએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકીને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય-તણાવથી મુક્ત રાખે છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભકર્મ, વિવેક અને બુધ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મનુષ્યનું જીવન ફક્ત રોટી, કપડાં અને મકાન મેળવવા પુરતું નથી. પરંતુ મનુષ્યની ખાસિયત તેની સહિષ્ણુતા, દયા અને પરોપકારમાં છે. જે વ્યક્તિ બીજાના દુ:ખ-સુખને પોતાનું માને, તે જ સાચો મનુષ્ય છે. શિક્ષણનો હેતુ માનવતા અને નૈતિકતા જાગૃત કરવાનો હોવો જોઈએ.

ઈરમા અને NDDBના ગ્રામીણ વિકાસમાં યોગદાનની પ્રશંસા કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સેક્સ-સોર્ટેડ સીમેન ટેક્નોલોજી દ્વારા ડેરી ક્રાંતિને બમણી કરવાની સિદ્ધિની સરાહના કરી, આ ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો વિકાસ થશે જે ખેડૂતો – પશુપાલકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતુ કે, સહકારિતાના આ વિચારને અનુરૂપ ગુજરાતમાં થઈ રહેલું સહકારિતાનું કાર્ય એ ગ્રામિણ ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે ૨૦૪૭ ના વિકસીત ભારતના સંકલ્પનાને સાકાર કરવામાં બહુમુલ્ય યોગદાન આપશે.

Back to top button
error: Content is protected !!