
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-શુક્ર,શનિ-રવિની રજાઓમાં ગિરિમથક પ્રવાસીઓથી ઉભરાયું, ધુમ્મસ અને વરસાદી ઝાપટા વચ્ચે ‘મિની કાશ્મીર’નો નજારો..
ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા મોન્સ ફેસ્ટિવલના અંતિમ તબક્કામાં શનિ-રવિની રજાઓને પગલે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.રાજ્યનાં કૃષિ વિભાગનાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ પરિવાર સાથે સાપુતારા સહિત ડાંગની મુલાકાત લીધી હતી. ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો તથા અનુકૂળ વરસાદી વાતાવરણને પગલે સાપુતારામાં પ્રવાસનનો માહોલ વધુ જામ્યો હતો.મોન્સૂન ફેસ્ટિવલની રજાઓના માહોલ વચ્ચે શનિવાર અને રવિવારે સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ ગયુ હતુ.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો તેમજ પ્રવાસી બસો મારફતે સાપુતારા પહોંચ્યા હતા. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે મુખ્ય પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે પાર્કિંગની વ્યવસ્થા પણ ખોરવાતી જોવા મળી હતી.પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને સ્થાનિક કલાકારોને સ્ટેજ પરફોર્મન્સ માટે પૂરતી તક મળતા સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે ધુમ્મસ અને વરસાદી ઝાપટાઓથી સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતુ.સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલના આયોજન બાદ માત્ર વિકેન્ડમાં જ નહીં, પરંતુ ચાલુ દિવસોમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા પ્રવાસન વિભાગનું આયોજન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું હોવાનું લાગી રહ્યું છે.બીજી તરફ પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે સ્થાનિક વેપારીઓ, હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો, વાહનચાલકો તેમજ વિવિધ પ્રવાસન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રોજગારી અને વ્યવસાયની તકો મળી રહી છે.સાપુતારામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ટેબલ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ સહિતના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. વિકસિત થયેલી સુવિધાઓ અને નવા આકર્ષણોને કારણે પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે.હાલ ચોમાસાની ઋતુમાં સાપુતારા પર જાણે પ્રકૃતિ પણ મહેરબાન થઈ હોય તેમ દિવસભર ધુમ્મસિયું વાતાવરણ અને અવારનવાર પડતા વરસાદી ઝાપટાઓ વચ્ચે પ્રવાસીઓ મનમોહક નજારાનો આનંદ માણી રહ્યા છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હરિયાળી, ધુમ્મસ, વરસાદ અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહી છે.મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ દિવસે વિકેન્ડની રજાઓમાં ઉમટેલી પ્રવાસીઓની ભીડને જોતા આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓને સાપુતારા તરફ આકર્ષવામાં સફળ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે..



