
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં અષાઢી બીજે ભક્તોનો સાગર ઉમટ્યો: ‘જય બાબારી’ના નારાથી ગુંજ્યા ધામ
પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે આજે મોડાસા પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મોડાસા તાલુકાના વિવિધ રામદેવ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર પંથક ‘જય બાબારી’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
પ્રાચીન મોડાસાના રાજપુર મહાદેવગ્રામ સ્થિત રામદેવજી મંદિરે દર માસની બીજની જેમ આજે અષાઢી બીજના પર્વે દૂર-દૂરથી રામદેવ ભક્તો બીજ ભરવા માટે ઉમટી પડ્યા હતા. અષાઢી બીજનો વિશેષ ઉત્સવ હોવાથી મંદિરમાં હૈયેહૈયું ભીડાય તેવી ભારે ભીડ જામી હતી, જે તસવીરમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથમાં આસ્થાના પ્રતીક સમાન નેજા (ધજા) સાથે ઉમટેલા હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પનાભાઇ પટેલ અને તેમની સાથી ટીમે અને આજુબાજુથી આવેલ સેવાધારીઓએ ખડેપગે રહીને સુંદર સેવાઓ આપી વ્યવસ્થા જાળવી હતી.





