વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
“નો યોર ફોર્સિસ” અભિયાન અને “એરફોર્સ ડે”ની ઉજવણી અંતર્ગત વાયુસેનાની શસ્ત્રીય ક્ષમતાથી નાગરિકોને માહિતગાર કરાશે.
વાયુસેનાનું સ્ટેટિક શસ્ત્ર પ્રદર્શન યુવાનોને એરફોર્સમાં જોડાવવા માટે પ્રેરણારૂપ બની રહેશે
ભુજ : તા-૨૫ સપ્ટેમ્બર : આગામી ૦૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે “નો યોર ફોર્સિસ” અને “એરફોર્સ ડે”ની ઉજવણીના ભાગરૂપે વાયુસેનાના વિવિધ શસ્ત્રોનું સ્ટેટિક પ્રદર્શન યોજાશે. દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ પ્રેરણા મેળવી શકે તે હેતુથી વાયુસેનાની વિવિધ શસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે. આ સ્ટેટિક પ્રદર્શનમાં એરફોર્સના વિવિધ અત્યાધુનિક સાધનોથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે. આ ઈવેન્ટ ભારતીય વાયુ સેનાની ઓપરેશનલ ક્ષમતાઓ અને ટેક્નોલોજી કૌશલ્યના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ બની રહેશે. ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્ટેટિક પ્રદર્શનમાં ફાઈટર એરક્રાફ્ટ, જમીનથી હવામાં માર કરતી મિસાઈલો, રડાર સિસ્ટમ, મોબિલીટી વ્હીકલ્સ અને એરફોર્સની ગરૂડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ શસ્ત્રો અને સાધનોની જાણકારી આપવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતીય વાયુ સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રોહિણી રડાર, ગરૂડ ફોર્સિસ ઈક્વિપમેન્ટ, પી-૧૯ રડાર અને પેચોરા મિસાઈલ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભુજ એરફોર્સ સ્ટેશન દ્વારા “નો યોર ફોર્સિસ” અભિયાન અંતર્ગત નાગરિકોને સહભાગી બનાવીને વિવિધ શસ્ત્રોની માહિતી આપવામાં આવશે. આ ઈવેન્ટમાં નાગરિકો, બાળકો, શાળાના એનસીસી કેડેટ્સ, નિવૃત્ત સૈનિકો, સૈનિકો અને સૈનિકોના પરિવારજનોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બાળકો અને યુવાનોને આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનામાં જોડાવવા પ્રેરણા મળશે અને તેઓ દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકા વિશે જાણકારી મેળવી શકશે. વાયુ સેનાના ધ્યેય સૂત્ર “ટચ ધ સ્કાય વિથ ગ્લોરી” અને એરફોર્સના જવાનોની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા આ પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે તેમ એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જણાવાયું છે.