
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં એક મોટી સફળતા મેળવી છે. સાદકપોર ગામના ચાડિયા ફળિયા, ખેરગામથી ચીખલી તરફ જતા સ્ટેટ હાઇવે નં.181 ઉપરથી ઇનોવા ક્રિસ્ટા કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ.13,53,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સફેદ રંગની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કારમાંથી 11 પૂઠાના બોક્સ અને 21 પ્લાસ્ટિકની મીની થેલીઓમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બીયર મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,416 નંગ દારૂ-બીયરની બોટલો/ટીન, જેની કિંમત આશરે રૂ.3,43,200 હોવાનું જણાવાયું છે, કબજે કર્યા હતા.
આ ઉપરાંત પોલીસે આશરે રૂ.10 લાખની ઇનોવા ક્રિસ્ટા કાર તથા આરોપીની અંગઝડતીમાંથી રૂ.10 હજારનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ.13.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર પર GJ-15-CM-7872 નંબર લગાવવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ તપાસમાં તેનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ-16-AU-3649 હોવાનું સામે આવ્યું છે.
એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ
આ કેસમાં પોલીસે નરેશ ઉર્ફે મોગી S/O અરવિંદભાઈ લલ્લુભાઈ નાયક (ઉંમર આશરે 33 વર્ષ), રહે. તિઘરા ગામ, બંગલા ફળિયા, તા. પારડી, જી. વલસાડને સ્થળ પરથી ઝડપી પાડ્યો છે.
જ્યારે પોલીસ દ્વારા રવિભાઈ ગણપતભાઈ હળપતિ, રહે. મોહનગામ, ભંડારવાડ ફળિયું, તા. ઉમરગામ, જી. વલસાડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તેણે દારૂ ભરેલી કાર આપ્યાની શંકા છે. તેમજ સુરતના કામરેજ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર રવિભાઈનો એક અજાણ્યો સાગરીત પણ વોન્ટેડ છે. તપાસમાં અન્ય સંડોવાયેલા લોકો બહાર આવે તેવી શક્યતા છે.
ચીખલી પોલીસની ટીમની કામગીરી
પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, પોલીસ અધિક્ષક નવસારી તથા નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે ચોક્કસ વોચ ગોઠવી દારૂના જથ્થા સાથે કાર ઝડપી પાડવામાં આવી હતી.
આ કામગીરીમાં PSI આર.એન. વાડલે સહિત ASI અલ્પેશભાઈ નવનીતભાઈ, મહેન્દ્રભાઈ નેભાભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ તથા પોલીસ કર્મચારીઓ જયપાલસિંહ બળવંતસિંહ અને રવિરાજભાઈ નનકુભાઈ જોડાયા હતા.
આ અંગે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા BNS અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



