ધોળકાના ઈશ્વરભાઈ કોળી પટેલનું ધરુ ઉછેરમાં અનોખું યોગદાન: વર્ષે ૬૦ લાખથી વધુનો ટર્નઓવર અને હજારો ખેડૂતો માટે આશાની કિરણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિકસિત ખેતી સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વસતા ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના ક્ષેત્રમાં અનોખી સફળતા મેળવી છે. તેઓએ માત્ર પોતાની આર્થિક પ્રગતિ જ હાંસલ કરી નથી, પરંતુ દૂરસુદૂરના ખેડૂતોને ગુણવત્તાયુક્ત રોપા પૂરા પાડી કૃષિ વિકાસમાં પણ અગત્યનો ફાળો આપ્યો છે.
ઈશ્વરભાઈ ધોળકામાં ભાડાની જમીન પર મરચી, ટામેટા, રીંગણ જેવા શાકભાજી અને હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનું વ્યાવસાયિક કાર્ય કરે છે. તેઓ દર વર્ષે આશરે ૪૦થી ૫૦ લાખ જેટલા ધરુ તૈયાર કરે છે અને રોપાની વેચાણ દ્વારા ૬૦થી ૭૦ લાખ રૂપિયાનો ટર્નઓવર હાંસલ કરે છે.
તેઓએ ધરુને સુરક્ષિત રીતે દૂરના વિસ્તારો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રકારના સ્ટ્રે અને મજબૂત પ્લાસ્ટિકના કેરેટ તૈયાર કરાવ્યા છે, જેના કારણે રોપા ખોટ વિના ખેડૂતો સુધી પહોંચી શકે છે. આ નવીન પદ્ધતિને કારણે આજે તેમના રોપા ધોળકા સિવાય બોટાદ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વિતરણ થાય છે.
ઈશ્વરભાઈએ માટીની જગ્યાએ કોકોપીટ અને વર્મિક્યુલાઈટ જેવી આધુનિક પદ્ધતિ અપનાવી છે, જેથી રોપા માટીજન્ય રોગોથી મુક્ત રહી શકે. આ પદ્ધતિના કારણે ઉછેરેલા ધરુમાંથી ઉત્પાદક ખેડૂતોએ શાકભાજીનો મબલખ પાક મેળવ્યો છે.
શાકભાજી વાવેતરમાં બીજથી કરતા સીધા રોપા વાવવાથી વધુ ઉત્પાદન મળે છે. કારણ કે બીજમાંથી ઘણા વખત છોડ ન ઊગે ત્યારે ખોટ થાય છે. જ્યારે નર્સરીમાં ઉછેરેલા ધરુ ખેતરમાં રોપવાથી વધુ નિષ્ણાત પરિણામો પ્રાપ્ત થાય છે.
ઈશ્વરભાઈના આ પ્રગતિપથમાં બાગાયત ખાતાનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. વિભાગે તેમને પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપી છે અને ધરુ ઉછેર વિશે વધરાળ ખાતે તાલીમ આપી છે.
ઈશ્વરભાઈ કોળી પટેલનું અનોખું કાર્ય રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાસ્રોતરૂપ સાબિત થયું છે. તેમની સફળતાની કહાણી દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં પણ યોજના, કુશળ વ્યવસ્થાપન અને ટેક્નોલોજીનો સમન્વય કરવાથી નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.