વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના વાડ ગામમાં રહેતી બે વિદ્યાર્થીનીઓ – નેહા શૈલેષભાઈ પટેલ અને નેહા ભીખુભાઈ પટેલ – છેલ્લા ત્રણ વર્ષથી આધાર કાર્ડની ગંભીર સમસ્યાના કારણે પોતાનું શિક્ષણ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીનીઓના માતા-પિતા દ્વારા મળેલી માહિતી મુજબ, બન્ને દીકરીઓના આધાર કાર્ડમાં એક જ નંબર દાખલ થયો છે, જયારે બંનેના પિતાના નામ અલગ છે. આ ગંભીર ભૂલને કારણે શાળાઓમાં આધાર કાર્ડ રજૂ કરવો મુશ્કેલ બન્યો છે અને સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ પણ અટકી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમના માતા-પિતા ખેરગામ આધાર સેન્ટર, મામલતદાર કચેરી, ચીખલી, નવસારી સહિત અનેક સ્થળોએ સી.એસ.સી. સેન્ટર પર ફરી ફરીને આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. સરકાર ‘ભણશે દીકરી, ગણશે દીકરી’ જેવી જાહેરાતો કરે છે, પરંતુ જમીની હકીકતમાં આવી ભૂલોના કારણે શિક્ષણથી વંચિત થતી દીકરીઓ માટે ભવિષ્ય અંધારું બની રહ્યું છે. આ બાબતે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું સાબિત થાય આ બંને દીકરીનું ભવિષ્ય શું થશે તંત્ર શું પગલા લેશે એ જોવાનું રહ્યું