GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં આત્મહત્યા કરવા માંગતી પીડિતાને બચાવી લેતી અભયમ્ ટીમ

તા.૧૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી હતાશ યુવતીને પોલીસ મથકે સોંપી

Rajkot: રાજકોટમાં ગત તા. ૧૫ના રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક સજ્જનનો કોલ આવ્યો. તેણે જણાવ્યું કે એક યુવતીને પોતાનું ઘરનું સરનામું યાદ નથી અને તે ખૂબ દુઃખી છે. આથી, અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી બીનાબેન ગોહિલ, કોન્સ્ટેબલશ્રી રોજીબેન બાનું અને પાયલટશ્રી વિજયભાઈ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયા.

સ્થળ પર પહોંચી ટીમે સૌ પ્રથમ કોલ કરનારા વ્યક્તિ સાથે વાતચીત કરી. તેણે જણાવ્યું કે યુવતી રસ્તામાં મળી ત્યારે ધ્રૂજતી હતી. જ્યારે નામ-સરનામાં વિશે પૂછ્યું ત્યારે યુવતીએ કહ્યું કે તેને તેના ઘરનું સરનામું કે પરિવારના સભ્યોના નામ યાદ નથી. વધુમાં, સજ્જને જણાવ્યું કે યુવતી એ એલ.આર.ડી. (લોકરક્ષક દળ)ની પરીક્ષા આપી હતી. તેને ડર છે કે તે નાપાસ થશે અને તે નિરાશ થઈને આજી ડેમમાં કૂદીને આત્મહત્યા કરવાની વાત કરી રહી હતી.

અભયમ્ ટીમે યુવતીને આશ્વાસન આપ્યું, તેને પાણી પીવડાવ્યું અને નાસ્તો કરાવ્યો. ધીમે-ધીમે તેની સાથે વાતચીત કરીને, તેની સમસ્યા જાણી. યુવતીએ જણાવ્યું કે એલ.આર.ડી.ની પરીક્ષા આપી હતી, પરંતુ ૫૦ માર્ક્સના પ્રશ્નોના જવાબ લખવાના બાકી રહી ગયા હતા. એટલે નાપાસ થશે તો ઘરના સભ્યો ફરીથી કોઈ પરીક્ષા આપવા દેશે નહીં. અન્ય લોકો પણ ટોણા મારશે, એવી બીકથી આજી ડેમ અથવા દરિયામાં કૂદીને આત્મહત્યા કરવી છે.

અભયમ્ ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કર્યું. તેને સમજાવ્યું કે હજુ તો પરિણામ આવ્યું નથી અને આગામી દિવસોમાં પણ પરીક્ષા લેવામાં આવશે. પરંતુ યુવતી પોતાની વાત પર અડગ હતી અને આત્મહત્યા કરવા માટે આજી ડેમ પર લઈ જવાની જીદ કરતી હતી. તે પોતાના કે સગાં-વ્હાલાના ઘરે પણ જવા માંગતી ન હતી. તે પોતાનું પૂરું નામ જણાવવા પણ માંગતી ન હતી. કારણ કે પીડિતાને ભય હતો કે ટીમ તેને તેના પિતાને સોંપી દેશે. અંતે યુવતીએ કહ્યું કે પોલીસ બનવાનું સપનું હતું, પરંતુ હવે અધૂરું રહી જતા મરી જવું છે.

અભયમ્ ટીમના યુવતીમાં જીજીવિષા જગાવવાના અનેક પ્રયત્નો છતાં તે આત્મહત્યા કરવાની વાત પર મક્કમ રહેતા, ટીમે તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવાનો નિર્ણય કર્યો. પોલીસ સ્ટેશન ખાતે પણ યુવતીને સમજાવવામાં આવી. અંતે સલાહ, સૂચન અને માર્ગદર્શન આપીને યુવતીનો કેસ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આમ, અભયમ્ ટીમે લોકરક્ષક દળની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા માંગતી યુવતીને બચાવી લઈને પોલીસ મથકે સોંપતા, ગુજરાત સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ વધુ એક કિસ્સામાં મહિલાની મદદગાર બની હતી.

Back to top button
error: Content is protected !!