નવસારી: પૂર બાદ નવસારીનો સોલિડ વેસ્ટ પ્લાન્ટ ફરી ધમધમતો થયો, કમિશનર જયેશ ઉપાધ્યાયની ફિલ્ડ વિઝિટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મ્યુ. કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની રૂટિન ફિલ્ડ વિઝિટ, પૂરની સ્થિતિ બાદ પ્લાન્ટ પુનઃ કાર્યરત, પ્રોસેસિંગમાં વધુ કાર્યક્ષમતા વધે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું
નવસારી શહેરને સ્વચ્છ, સુંદર અને રોગચાળામુક્ત રાખવાની કટિબદ્ધતા સાથે, આજ રોજ નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરના સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની એક રૂટિન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અન્ય અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં નવસારીમાં સર્જાયેલી ભારે પૂરની સ્થિતિને કારણે શહેરની અન્ય માળખાગત સુવિધાઓની સાથે કચરાના નિકાલ અને પ્રોસેસિંગની કામગીરીમાં પણ કામચલાઉ અવરોધ ઊભો થયો હતો. કમિશનરશ્રીની આ રૂટિન ફિલ્ડ વિઝિટનો મુખ્ય હેતુ પૂર બાદ પ્લાન્ટની વર્તમાન સ્થિતિનું જાતનિરીક્ષણ કરવાનો અને કામગીરીને સત્વરે સામાન્ય બનાવવાનો હતો. મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તેમની ટીમે પ્લાન્ટના વિવિધ ટેકનિકલ અને ઓપરેશનલ પાસાઓનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અધિકારીઓના સઘન પ્રયાસો અને ત્વરિત પગલાંના પરિણામે, પૂરની વિકટ સ્થિતિ બાદ હવે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટને સંપૂર્ણપણે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પુનઃ કાર્યરત થવાથી શહેરમાંથી એકત્રિત થતા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની પ્રક્રિયા ફરીથી સુચારુ રૂપે ચાલુ થઈ ગઈ છે, જેનાથી નગરજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થશે. નવસારી મહાનગરપાલિકા શહેરની સ્વચ્છતા જાળવવા માટે સતત કાર્યરત છે.




