GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં વાવેતર કરેલ પાક માટે ખેડૂતો માટે કૃષિ સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં વાવેતર કરેલ પાક માટે ખેડૂતો માટે કૃષિ સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

સતત ભેજ અને હળવા વરસાદ સાથે નીકળતા આછા તડકાને કારણે પાકમાં ચૂસિયા જીવાતો જેવી કે થ્રિપ્સ, મોલો-મશી, તેમજ મૂળખાઈ, સુકારો જેવા ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ વધી શકે છે. તેથી ખેડૂતોએ તેમના પાકનું નિયમિત રીતે નિરીક્ષણ કરવું જોઈએ. આગામી દિવસોમાં ખુબ જ હળવો વરસાદ હોવાથી જો પાકમાં રોગ-જીવાત જણાય તો ભલામણ કરેલ ફૂગનાશક કે જંતુનાશક દવાનો છંટકાવ સુરક્ષિત રીતે કરી શકાય છે. આ સાથે જ પાકની જરૂરિયાત મુજબ નાઇટ્રોજન/યુરિયા ખાતરનો પૂરક ડોઝ પણ આપી શકાય છે.

મગફળી અને સોયાબીન પાકમાં જીવાત નિયંત્રણ કઇ રીતે કરવું ??

 કાતરા ઇયળનું નિયંત્રણ ::

• હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.
• ખેતરની આજુબાજુના શેઢા-પાળા સ્વચ્છ રાખવા જેથી જીવાતનો આશ્રયસ્થાન નાશ પામે.
• ખેતરની ફરતે શેઢા ઉપર કાતરાને અંદર આવતા અટકાવવા માટે ખાડી અથવા ખાઈ બનાવવી.
• લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ ૫% અર્ક ૧૦ લીટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
• કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વે.પા. ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈ.સી. ૬ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસ.જી. ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

 પાન કોરીયાના નિયંત્રણ માટે ::

• એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ એટલે કે ૪૦ મિલી /૧૦ લીટર પાણીના બે છંટકાવ ક૨વા. જે પૈકી પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ ૧૫ દિવસે ક૨વાની ભલામણ કરવામાં આવે છે.
• જો વધુ ઉપદ્રવ જણાય ત્યારે લેમડા-સાયહેલોથ્રિન ૫ ઈસી એટલે કે ૫ મિ.લિ./૧૦ લીટર પાણીના બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૫ દિવસે કરવો.

 પીળો પંચરંગીયો રોગના નિયંત્રણ માટે ::

• શરૂઆતમાં એકલ દોકલ રોગીષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો.
• રોગનો ફેલાવો સફેદ માખી દ્વારા થતો હોઈ તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશકો જેવી કે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ મિસએલ ૩ મિ.લી. અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા એઝાડીરેકટીન ૪૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

કપાસ, મગ અને અડદના પાકમાં રોગ જીવાત નિયંત્રણ કઇ રીતે કરવું ??

 મોલો-મશી, થ્રિપ્સ, સફેદ માખી, તડતડીયાનું નિયંત્રણ ::

• ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ/ ૫% અર્ક અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમા લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ જણાય ત્યારે ફ્લોનીકામિડ ૫૦% ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮૦% એસ.એલ. ૩ મિ.લી પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણી ભેળવી છંટકાવ કરવો.

 મૂળખાઈ અને સુકારોનું નિયંત્રણ ::

• ઊભા પાકમાં રોગ જોવા મળે કે તરત જ મેન્કોઝેબ ૭૫ વેપા ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૦ લીટરમાં ૧૦ ગ્રામનું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુનાં ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.

પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેવા ખેડૂતો માટેની અલગથી માર્ગદર્શિકા ::

 ઊંચા તાપમાન સાથે વાદળછાયું વાતાવરણના લીધે થ્રીપ્સની ઉપદ્રવ વધતો જોવા મળી શકે છે. તેના નિયંત્રણ માટે લીમડાના પાન ૫ કિલોગ્રામ + સીતાફળના પાન ૨ કિલોગ્રામ + નફટિયા અથવા ધતૂરાના પાન ૨ કિલોગ્રામ લઈને દેશી ગાયના ૧૦ લીટર ગૌમુત્રમાં નાખીને ૫ દિવસ સુધી રહેવા દેવા જોઈએ. ત્યારબાદ તેને પાણી ઉમેર્યા વગર ગાળીને મળેલા દ્રાવણનો પરિપક્વ અવસ્થાએ છંટકાવ કરવો અથવા ૨૦૦ લીટર પાણીમાં ૫ થી ૬ લીટર અગાઉથી તૈયાર કરેલ દશપર્ણી અર્ક થ્રીપ્સના નિયંત્રણ માટે પાક ઉપર વ્યવસ્થિત રીતે છાંટવું.

Back to top button
error: Content is protected !!