AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

થલતેજમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 303 વંચિત અને નવપ્રવેશી બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત અમદાવાદના થલતેજ વિસ્તારમાં વંચિત, ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા અને સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પી.એમ. શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિએ સમગ્ર પ્રવેશોત્સવને પ્રેરક માહોલ આપ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા 20 બાળકો, સિગ્નલ સ્કૂલના 233 બાળકો અને શાળાના 50 નવપ્રવેશી વિદ્યાર્થીઓ સહિત કુલ 303 બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ અપાયો હતો. શિક્ષણથી વંચિત અથવા અસ્થિર પરિસ્થિતિમાં જીવતા બાળકોને સંરક્ષણ, સંસ્કાર અને શિક્ષણ સાથે જોડવાનો આ પ્રયાસ માત્ર પ્રવેશોત્સવ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સામાજિક પુનઃસ્થાપન અને માનવ ગૌરવના પુનર્નિર્માણનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યો છે.

કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી બાળકોનું તિલક, ફૂલ અને તાળીઓના ગડગડાટ વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરિસરને રંગોળી, શૈક્ષણિક સૂત્રો, બાળમિત્ર સજાવટ અને પ્રેરણાત્મક સંદેશોથી સજાવવામાં આવ્યું હતું. બાળકોએ નવા શૈક્ષણિક જીવનમાં પ્રથમ પગલું મૂકતાં આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ સર્જાયો હતો. વાલીઓ અને ઉપસ્થિત નાગરિકોમાં પણ આ પ્રસંગે વિશેષ ભાવુકતા અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા અને વંચિત પરિસ્થિતિમાં રહેલા બાળકોને શિક્ષણનો અધિકાર, સુરક્ષા અને સમાન તક પૂરી પાડવી એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજનું નૈતિક કર્તવ્ય છે. તેમણે જણાવ્યું કે આવા બાળકોને શાળા સાથે જોડવાનો પ્રયાસ તેમના જીવનમાં લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમને આત્મનિર્ભર જીવન તરફ દોરી જશે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2022થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી ‘સિગ્નલ શાળા’ તેમજ અન્ય સરકારી શાળાઓમાં શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે, જે આ અભિયાનની અસરકારકતા દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અન્ય રાજ્યોમાંથી બાળકોને લાવી ભિક્ષાવૃત્તિ કરાવતા આંતરરાજ્ય રેકેટ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા ગેરકાયદે કૃત્યો સામે સંવેદનશીલતા અને કડકતા બંને જરૂરી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 33 બાળકોને મુક્ત કરાવી તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે, જે માનવતાધર્મી અને પ્રશંસનીય કામગીરી છે. તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે આવા બાળકોને માત્ર વિદ્યાર્થી તરીકે નહીં, પરંતુ પોતાના સંતાનો સમાન સ્નેહ, માર્ગદર્શન અને વિશ્વાસ આપવો જોઈએ, જેથી તેઓ ભય અને અભાવમાંથી બહાર આવી શિક્ષણમાં સ્થિર થઈ શકે.

નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા સ્વચ્છતા, ટ્રાફિક શિસ્ત અને માર્ગ સુરક્ષાના મુદ્દાઓને પણ સ્પર્શ્યા હતા. તેમણે જણાવ્યું કે વિકસિત સમાજ માટે શિક્ષણ જેટલું જ શિસ્તબદ્ધ નાગરિક જીવન પણ જરૂરી છે. સ્વચ્છતા જાળવવી, ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવું એ સામૂહિક જવાબદારી છે.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં પોલીસ, મહાનગરપાલિકા અને સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના સંયુક્ત પ્રયાસોથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ એ માત્ર શૈક્ષણિક પ્રક્રિયા નથી, પરંતુ સમાજમાં સમાનતા, સંવેદના અને પ્રગતિનો મજબૂત આધાર છે. વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવામાં શિક્ષણ સૌથી કેન્દ્રસ્થાનીય ભૂમિકા ભજવશે, અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે દિશામાં તંત્ર સતત પ્રયત્નશીલ છે.

કાર્યક્રમ દરમિયાન ભિક્ષાવૃત્તિ મુક્તિ અભિયાન અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને ભિક્ષાવૃત્તિ, માનવ તસ્કરી અને શોષણના ચક્રમાંથી બહાર લાવી સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જનાર આ કામગીરીને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી. આ સન્માન માત્ર વ્યક્તિગત યોગદાનનું નહીં, પરંતુ બાળસુરક્ષા અને બાળઅધિકાર પ્રત્યેની સંસ્થાકીય પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ, સ્વાગતગીત, સાંસ્કૃતિક રજૂઆતો અને શિક્ષણના મહત્ત્વ અંગે સંદેશાત્મક કાર્યક્રમો પણ યોજાયા હતા. નવપ્રવેશી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, પુસ્તકો અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરીને તેમના શૈક્ષણિક પ્રવાસને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોમાં શાળાપ્રેમ, નિયમિત હાજરી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વિકસે તે માટે શિક્ષકો અને સંચાલકમંડળ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રવેશોત્સવ એ વાતનો જીવંત દાખલો બન્યો કે શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમાજના સૌથી વંચિત બાળક સુધી પહોંચતું જીવન પરિવર્તનનું સાધન છે. ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શાળા, સુરક્ષા, સ્નેહ અને સંસ્કાર સાથે જોડવાનો પ્રયાસ એક સંવેદનશીલ અને જવાબદાર શહેરી વ્યવસ્થાનો પરિચય કરાવે છે. થલતેજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમથી એ સ્પષ્ટ થયું કે જ્યારે તંત્ર, શાળા, પોલીસ અને સમાજ એકસાથે કાર્ય કરે ત્યારે કોઈ પણ બાળક માટે શિક્ષણના દ્વાર બંધ રહેતા નથી.

આ કાર્યક્રમમાં ડીજીપી જી.એસ. મલિક, મેમ્બર સેક્રેટરી હેતલ એમ. પવાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. એમ.એ. પીપરાણી, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!